નિબંધલેખન : જીવનમાં રમતગમતનું મહત્વ
·
મુદ્દાઓ પ્રસ્તાવના – રમતગમત – સહજ તેમજ સ્વાભાવિક – રમતગમતથી સ્વાસ્થની જાળવણી – રમતગમતની મન પર અસર – રમતગમત વડે સ્થપાતાં આંતરરાષ્ટ્રીય સૌહાર્દ અને
વિશ્વશાંતિ- ઉપસંહાર
આપણા જીવનઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતાં હોય છે. રમતગમત પણ એક અગત્યનું પરિબળ
છે.
માનવજીવનની શરૂઆત જ રમતગમતથી થાય છે. બાળક
ચાલતાં શીખે એટલે રમવાનું શરૂ કરે. સંતાકૂકડી, સાતતાળી અને લંગડી જેવી રમતો રમતાં રમતાં તે ક્રિકેટ, ટેનિસ અને ફૂટબૉલ જેવી રમતો તરફ આકર્ષાય છે.
ગામડાંના કિશોરો મહદંશે ગિલ્લીદંડા અને
હુતતુ જેવી રમતો રમે છે; જ્યારે શહેરોમાં ક્રિકેટ, હૉકી, ટેનિસ, બૅડમિન્ટન
જેવી રમતોનું ચલણ વધુ હોય છે. રમતગમત પ્રત્યે મનુષ્યને સ્વાભાવિક પ્રેમ છે. સભ્યતા
અને સંસ્કૃતિના વિકાસની સાથે માનવની ખેલવૃત્તિએ નવી નવી રમતગમતો શોધી કાઢી છે.
રમતગમતથી તંદુરસ્તી મળે છે. રમતગમતના
પ્રતાપે અંગેઅંગમાં તાજગી અને ચૈતન્ય ઊભરાય છે.સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન નિવાસ
કરે છે. સ્વસ્થ મન સદાય આશાભર્યું રહે છે. સાચો રમતવીર જીવનને પણ રમત સમજી
ખેલદિલીપૂર્વક જીવે છે.
રમતગમત દ્વારા યશ અને ધન પણ પ્રાપ્ત થાય
છે. કેટલાય ક્રિકેટવીરો ક્રિકેટ મેચની કમાણી વડે સાધનસંપન્ન બની ગયા છે. ફૂટબૉલ, ટેનિસ, બૉક્સિંગ કે કુસ્તી વગેરેની સ્પર્ધાઓમાં વિશેષ સિદ્ધિ
મેળવનારા રમતવીરો અઢળક સંપત્તિ પ્રાપ્ત કરે છે.
આજે રમતગમત પ્રત્યેની આપણી દષ્ટિ ખૂબ જ
વિશાળ બની ગઈ છે. ક્રિકેટ, હોકી, ફૂટબૉલ અને
ટેનિસ જેવી રમતોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ દ્વારા આજે વિશ્વમાં એકતા અને
વિશ્વબંધુત્વની ભાવના વિકસી છે. આમ, વિશ્વશાંતિ માટે રમતગમતનું વિશેષ મહત્ત્વ છે.
ચારિત્ર્યઘડતરમાં પણ રમતગમતનું વિશિષ્ટ
સ્થાન છે. શિસ્ત, સાહસ, સંયમ, સહિષ્ણુતા, સહકાર અને ખેલદિલી જેવા ઉત્તમ ગુણો ખીલવવામાં રમતગમત અનન્ય
ભાગ ભજવે છે. યુવાપેઢીના વ્યક્તિત્વના ઘડતરમાં રમતગમતનો ફાળો નાનોસૂનો નથી.