સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com
લેબલ નિબંધલેખન (ધોરણ : 6 થી 12) સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નિબંધલેખન (ધોરણ : 6 થી 12) સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

30 ઑગસ્ટ 2024

મોટીવેશન વાર્તા - 20 (સ્વર્ગ જેવું મંદિર)

 


’ *સ્વૅગ જેવુ મંદિર'...... .* 



પરાશર મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય...!


હમણાં જ માર્કેટમાં નવી આવેલી 'સ્વૅગનુ મંદિર’ એ ગેમ પર પરાશર નું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી.


‘સ્વૅગનુ મંદિર’ ગેમ મોબાઇલમાં ડાઉનલોડ થતાંની સાથે પરાશરની તમામ માહિતી માંગી લીધી અને પરાશર ની જિંદગી તથા તેનો મોબાઇલ બન્ને આપોઆપ ‘ સ્વૅગનુ મંદિર’ ગેમ નાં અંકુશમાં આવી ગયા.


આ ગેમ કોઇ સામાન્ય ગેમ નહોતી, તેના નિયમો સખ્ત હતા. કોઇપણ પ્લેયરને અધવચ્ચે ગેમની બહાર નીકળવની છૂટ નહોતી.


'સ્વૅગનુ મંદિર' ગેમનાં બે રૂલ ખૂબ મહત્વના હતા.


૧. દરરોજ સવારે ૪ વાગે દિવસનો એક દાવ મળતો જે માત્ર દસ મિનિટ જ ડિસ્પલે પર દેખાય.


૨. રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં તે દાવ પુરો કરી તેના જણાવ્યા મુજબના ફોટો કે વિડિયો અપલોડ કરવા.


પરાશરે તેમાંથી પાંચ લેવલવાળી ગેમ સિલેક્ટ કરી અને તેની જિંદગીની એક રોમાંચક સફર શરુ થઇ.


પરાશર મોબાઇલનો વ્યસની સાથે આળસું અને બેજવાબદાર પણ ખરો...!


તેને ઘરની કે પરિવારની ક્યારેય લેશમાત્ર પરવા નહોતી.


ઓફીસ દસ વાગ્યાની એટલે ઉઠે આઠ વાગ્યે...!


અને રવિવારે તો જમવા ટાઇમે જ ઉઠવાનું.. રાત્રે મોડા સુધી ગેમ જ રમવાનો તેનો સ્વભાવ. પણ ‘ સ્વૅગનુ મંદિર ’એ ગેમ માટે તે સ્પેશ્યલ એલાર્મ મુકી રવિવાર હોવા છતાં સવારે વહેલો ઉઠી ગયો.


પરાશર માટે પહેલો દાવ હતો ‘આજે એક દિવસ માટે તમારી પત્ની જે કામ કરે છે તે તમામ કામ કરવાના, અને સવાર સાંજ જમવાનું બનાવી પત્નીને જમાડવી અને તેના ફોટા અપલોડ કરવા અને તમારી પત્નીને પચાસ વાર ‘હું તને ચાહું છું’ કહેતો વિડિયો અપલોડ કરવો.’


દસ મિનીટ પછી તે દાવ આપોઆપ ગાયબ થઇ ગયો..


પરાશર ને પહેલો જ દાવ પેચીદો લાગ્યો. કારણ કે આ ગેમમાં કોઇ ડિસ્પ્લે પરની ગેમ નહોતી આ તો જિંદગીની ગેમ હતી.


પરાશર અને તેની પત્નીને છેલ્લા કેટલાક વર્ષથી વધુ પડતા કામકાજ ને કારણે અબોલા જેવી જ જિંદગી હતી. પરાશર ની મોબાઇલની લતનાં કારણે અને દોસ્તો સાથે રાત્રે બેસી રેહવાની આદત ને કારણે નિશા અનેકવાર ઝઘડતી પણ પરાશર તેને ક્યારેય ધ્યાને ન લેતો.


‘સ્વૅગનુ મંદિર’ એ ગેમ નો પહેલો દાવ પુરો કરવા પરાશરે જીવનમાં પહેલીવાર રવિવારની સવારે ઘરકામ શરુ કર્યું.


ઘરના કચરાં- પોતાં, વાસણ વગેરે કામ નિશા ઉઠે તે પહેલાં જ કરી નાંખ્યા અને દરેકનો સેલ્ફી લઇ લીધો. ઘરમાં રોજ આટલો કચરો હોય છે તે પરાશરને પહેલીવાર ખબર પડી.


નિશા ઉઠી તે પહેલા ઘર તો સરસ સજાવીને તૈયાર હતું. નિશા માની નહોતી શકતી કે પરાશર આ કામ કરી શકે છે. પછી તો તે બપોરનું જમવાનું, સાંજનું જમવાનું પરાશર બનાવ્યું અને પત્નીને પ્રેમથી જમાડી. અને સાંજે પચાસવાર ‘હું તને ચાહું છુ’ કહેતો વિડીયો પણ ઉતારી સમયથી પહેલાં અપલોડ કરી દીધો.


રાત સુધીમાં પરાશર થાકી ગયો હતો. નિશા એ તે રાતે પરાશર ના પગ દબાવ્યાં. અને એક દિવસમાં તેમનું દાંપત્યજીવન પલટાઇ ગયું.


‘તમે કેટલા સારાં છો, પરાશર..!’ નિશા ને આજે તો વર્ષો પહેલાનો પરાશરે ફરી મળ્યો હોય તેમ લાગ્યું અને તે રાતે તે બન્નએ ઘણાં સમય પછી મન મુકીને વાતો કરી.


‘ખરેખર, નિશા હું માનતો હતો કે ઘરકામ તો સાવ સામાન્ય છે, પણ ઓફીસ કરતા ઘરનું કામ વધુ મહેનતવાળું અને ચોક્સાઇવાળું છે તેનો આજે અહેસાસ થયો, ‘આઇ લવ યુ, નિશા ’’ પરાશરે રાત્રે નિશા ને ખરા દિલથી કહ્યું હતુ તેમાં ‘સ્વૅગનો મહેલ ’ આ ગેમનો કોઇ દાવ નહોતો.


‘તમે આજે કેટલા વર્ષો પછી મને ‘ આઇ લવ યુ’ કહ્યું...!’ નિશા ના આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.


‘મને માફ કરી દે...! તને નહોતો સમજી શક્યો પણ આજે સ્ત્રી બની કામ કર્યુ તો ખ્યાલ આવ્યો કે પત્ની તરીકેની જવાબદારી પણ ઘણી મોટી છે...!


પરાશરે તેના બન્ને હાથને પોતાની હથેળીમાં દબાવી પોતાના વર્ષોથી દાંમ્પત્યજીવનમાં પડેલી તિરાડોને પુરી દીધી.


પહેલા દિવસે જ ‘ સ્વૅગના મહેલે ’ પરાશરના જીવનને બદલી નાખ્યું.


બીજા દિવસ સોમવાર સવારે ચાર વાગે પરાશર ને બીજો દાવ મળ્યો, ‘પરાશર , તારા દિકરાનિરવને તું હોસ્ટેલ માં મુકી આવ્યો છે, આજે હોસ્ટેલ માં જઇને એક કલાક તેની પાસે બેસ અને તેના ફોટા અપલોડ કર.’ પરાશર માટે આ ટાસ્ક અઘરો નહોતો. સાંજે ઓફીસનું કામ પતાવી દીકરાનિરવ ની હોસ્ટેલમાં ગયો.


‘દીકરા નિરવ તારા ડેડી તને મળવા આવ્યાં છે.’ પ્યુને દીકરાનિરવ ના રૂમ પાસે જઇને બુમ પાડી.


અને સાવ નીચું જોઇને દીકરો નિરવ તેના પપ્પા પાસે આવ્યો. તે સૂનમૂન હતો. બન્ને ઓફીસમાં બેઠા.


પરાશરે પુછ્યું, ‘કેમ દીકરા નિરવ ચુપ છે ?’ ‘કાંઇ નહી...!’ દીકરાનિરવે ટુંકમા જવાબ આપ્યો. ‘અહીં ફાવે છે’ને ?’


પણ, દીકરો નિરવ ચુપ હતો. પરાશરે તેના મોબાઇલમાં દીકરા નિરવ સાથેના ફોટા લઇ લીધાં પછી પરાશરે ફરી કહ્યું, ‘બેટા, આ તો શહેરની સૌથી મોંઘી સ્કુલ છે અને અહીં તો આપણાં ઘર કરતાં પણ સારી જમવાની અને ભણવાની સગવડ છે, અને અહીં તારું પરિણામ પણ સુધરશે.’


દીકરાનિરવે ધીરેથી જવાબ આપ્યો, ‘પપ્પા તમને ખબર છે, ઇતિહાસમાં એવુ ભણવામાં આવે છે કે જો કોઇ ભૂલ કરે તો તેને કાળાપાણીની સજા થાય, જો કે છોકરા પરિણામ નબળું લાવે તો હોસ્ટેલમાં રહેવાની સજા કરવામાં આવે તે હવે પછીના ભવિષ્યમાં જરુર લખાશે. પપ્પા, મારે મોંઘી સ્કુલ નહી મારા મમ્મી-પપ્પા જોઇએ છે, સ્વાદીષ્ટ મિષ્ઠાન્ન નહી મમ્મીનાં હાથનો કોળીયો જોઇએ છે.....!’ અને નાનકડો દીકરો પોતાના આંસુઓને દબાવી પોતાના રૂમમાં દોડી ગયો.


પરાશર તેના પગલાંની નાની નાની છાપ પર એકીટશે જોઇ રહ્યો. ચોથા ધોરણમાં રીઝલ્ટ ઓછું આવ્યું તો તે રાતે ધમકાવીને પરાણે તેનું હોસ્ટેલ માં એડમિશન કરાવી દીધું હતું. તે બાબતે નિશા અનેકવાર ઝઘડી હતી પણ પરાશર નિશા ની કોઇ વાત માનવા તૈયાર નહોતો અને દીકરાનિરવ ને હોસ્ટેલ મુકી આવેલો.


પણ આજે દીકરા નિરવની વાત સાંભળી પરાશર ખળભળી ગયો.


પોતે બેજવાબદાર પિતા હતો તેની સજા દીકરા ને મળી છે તેનો અહેસાસ થયો. પરાશરે તે ફોટા અપલોડ કરી તેનો બીજો દાવ પુરો કરી દીધો, પણ હવે તેની આંખો ભરાઇ આવી.


તે રાતે જ દીકરાનિરવ નું હોસ્ટેલનું એડમિશન કેન્સલ કરાવી દીકરા નિરવને પોતાની સાથે ઘરે લઇ આવ્યો.


દીકરાનિરવ ને ઘરે પાછો આવેલો જોઇ નિશા તો તેને વળગી પડી. બે દિવસમાં પરાશરમાં આવેલા સુખદ પરિવર્તનથી નિશા ખુશ હતી.


ત્રીજા દિવસનો દાવ પરાશર માટે સહેજ અઘરો હતો, ‘તમારા સૌથી અપ્રિય વ્યક્તિને જમવા માટે બોલાવો અને તેની માફી માંગતો વિડિયો અપલોડ કરો.’


સવારે જ પોતાના ન ગમતાં વ્યક્તિને યાદ કરવો તે પરશરને ન ગમ્યું. પણ હવે ત્રીજું લેવલ પણ પાર કર્યે જ છૂટકો હતો. સૌથી અપ્રિય વ્યક્તિ એટલે ‘મનોહર ’. ઓફિસમાં તેનો જુનિયર મનોહર અત્યારે તેનો સિનિયર મેનેજર બની ગયો હતો. પરાશર ની મોબાઇલની આદતોને કારણે મનોહરે તેને ઘણીવાર નોટીસ પણ આપી દેતો. પરાશર મનોહર ને ભારોભાર નફરત કરતો પણ આજે તેને જ જમવા માટે આમંત્રણ આપવાનું હતું.


ઓફીસમાં મનોહર ને સાંજે જમવા માટેનુ આમંત્રણ આપ્યુ . જો કે મનોહર માટે પણ તે આંચકા સમાન હતું.


અને હોટલમાં બન્ને એકલા ભેગા થયા. ભોજન પીરસાઇ ગયું. પરાશરે ધીરેથી મનને મક્કમ કરી મનોહર ની સામે જોઇને કહ્યું, મનોહર, આપણે અનેક વખત ઝઘડ્યા છીએ. હું મારી બધી ભૂલોને સ્વીકારું છું અને માફી માંગુ છું.’ પરાશરે તેનો વિડિયો કેપ્ચર કરી લીધો. મનોહર માટે પરાશરે માફી માંગે તે માન્યામાં ન આવે તેવી ઘટના હતી.


તેને પણ પરાશર નો હાથ પકડી કહ્યું, ‘ભગવાને એ કહ્યું છે કે માફી માંગવી અને માફી આપવી તે બન્ને ભગવાનેને પસંદ છે. આજે તારામાં ખરેખર મને ભગવાન ના દશૅન થાય છે. હું તને ક્યારેય નફરત નથી કરતો પણ તારી કામ પ્રત્યેની આળસ, બેદરકારીપણું અને આ મોબાઇલની લતથી આપણી વચ્ચે વૈચારીક સમસ્યાઓ સર્જાય છે. જો તું આજે માફી માંગે છે તો બસ તારી આ આદતો બદલી નાંખ તું પણ જિંદગીમાં ખૂબ આગળ વધીશ.’


મનોહરે સાફ દિલથી તેને માફ કરી અને પરાશર ને તેના જીવન પરિવર્તન માટે સોનેરી સલાહ આપી અને બન્ને વચ્ચેની વર્ષોની ખાઇ એક ક્ષણમાં પૂરાઇ ગઇ. પરાશરે ‘સ્વૅગનુ મંદિર ’ગેમ નું ત્રીજું લેવલ પસાર કરી દીધું.


હવે બુધવારનું ચોથું લેવલ તેને મળ્યું, ‘આજે તારા એક એવા મિત્રને મળવાનું જેને તું વર્ષોથી મળવા ચાહે છે પણ મળી શકતો નથી.’


અને તરત જ પરાશર ને પોતાના બાળપણનાં જુના મિત્ર ‘નવિનની’ ની યાદ આવી ગઇ. બન્ને કોલેજ સુધી સાથે ભણતાં. પણ ગામડું છોડ્યા પછી તેને મળવા એકપણ વાર નહોતો ગયો. તે એક્વાર શહેર આવેલો તેની તબીયત સારી નહોતી એટલે ચેકઅપ કરાવવા...! તેનાય ચાર વર્ષ થઇ ગયા હશે. આજે તો મળવું જ પડશે એમ વિચારી બપોર પછી ઓફીસમાં રજા લઇને પરાશર ગામડે પહોંચી ગયો.


નવિન ના ઘરમાં પગ મુકતા જ ઘરની ગરીબી પરાશરને આંખે વળગી. તેની નાની દિકરી પારણાંમા ઝુલી રહી હતી. નવિન તેને હિંચકા નાખી રહ્યો હતો. નવિન સાવ અશક્ત અને તેનું શરીર પણ સુકાઇ ગયું હતું.


‘અરે, પરાશર આજે ઘણા વર્ષે ભૂલો પડ્યો…!’ માંડ માંડ પથારીમાં બેઠો થઇ શક્યો.


‘કેમ શું થયું છે, તને..?’ પરાશરે તેની આંખોમાં નજર નાંખતા કહ્યું. ‘આ તો ફેફસાનો ટીબી.... અને....’ નવિન ના શબ્દોમાં જ તેની દયનીય હાલત, લાચારી અને ગરીબીનો ચિતાર મળી ગયો.


‘ભાભી ક્યાં છે ?’ પરાશરે રસોડા તરફ નજર નાંખી. ‘એ તો ખેતરમાં કામે ગઇ છે, હવે મારાથી કોઇ કામ થતું નથી એટલે તે મજુરીએ જાય છે. હમણાં જ આવશે.’ નવિન પરાણે રસોડા સુધી ગયો અને ગ્લાસ પાણી લઇ આવ્યો પણ દસ ડગલા માંડતા તો તેનો શ્વાસ ધમણની માફક ફુલી ગયો. પરાશર નવિન ની હાલત જોઇને બેચેન બની ગયો. તેની નાની રૂપકડી દિકરીને પારણાંમાંથી તેડીને નવિન સાથે સેલ્ફી લીધો. જો કે અંદરથી તો મનમાં પોતે વર્ષોથી પોતાના મિત્રની કોઇ દરકાર ના કરી તેનો વસવસો જ હતો.


‘સારુ નવિન હું જાઉં છું.. મારે એક અગત્યનું કામ હતું એટલે આવ્યો હતો. પણ હું અહીં નિયમિત આવીશ. શહેર આવે ત્યારે જરુર ઘરે આવજે.’ પછી પરાશરે પોતાના પાકીટમાં રહેલા દસ હજાર જેટલા રુપિયા તે પારણામાં મુકી દીધા.


   નવિન તો તે જોઇને સાવ દિક્મૂઢ બની ગયો. તે પૈસા પાછા આપવા લાગ્યો પણ પરાશરે કહ્યું, ‘તારી દિકરીને પહેલી વાર જોઇ છે. આ તેના છે.. અને જો હજુ જરુર પડે વિના સંકોચે કહેજે... નવિન માફ કરજે, વર્ષો સુધી હું તને મળી ન શક્યો....!’ અને પરાશર રડતા ચહેરે નવિન થી મોં સંતાડીને ચાલ્યો ગયો.


    ચાર સ્તરમાં પરાશર ની જિંદગી સાવ બદલાઇ ગઇ. પોતાની પત્ની, બાળક, સહકર્મચારી કે લંગોટીયા મિત્રની ક્યારેય ચિંતા જ નહોતી કરી અને સાવ બેપરવાહ બની માત્ર પોતાની જિંદગીમાં જ મશગુલ બની જીવ્યો હતો. જ્યારે ‘સ્વૅગનુ મંદિર’ ગેમ ના આ ચાર સ્તરમાં પરાશર હવે જવાબદાર વ્યક્તિ બની ગયો હતો.


હવે કાલે સવારે તેને છેલ્લો દાવ મળવાનો હતો.અને છેલ્લો દાવ હતો. ‘મૃત્યુનો`..! પરાશર તારે તારુ કફન તૈયાર કરવાનું અને ચાર મિત્રને લઇ જીવતે જીવત શ્મશાન યાત્રા કાઢવાની. આ તારી જીવતી શ્મશાન યાત્રા છે. આ દાવ પુરો થતાં ‘સ્વૅગનુ મંદિર’ ગેમ નાં વિનર ગેલેરીમાં સ્થાન અને તેના રોકડ પુરસ્કારનો હકદાર બનશે.’


     ખૂબ પેચીદો આ દાવ કરવો શક્ય નહોતો પણ હવે પરાશરે છેલ્લું રીસ્ક લેવા તૈયારી કરી. જાતે પોતાનું કફન ખરીદી અને પોતાના મિત્રોને બોલાવી લીધા.


‘શું પરાશર ગાંડો થયો છે ?’ બધાના મોંએ આ એક જ પ્રશ્ન હતો.


      પણ આખરે પોતાનું કફન ઓઢી પરાશર ખાટલામાં સૂઇ ગયો. અને જ્યારે બધાએ રામ બોલો. ભાઈ રામ, ઉંચક્યો ત્યારે પરાશર ને ભાન થયું કે ખરેખર જિંદગી આમ એક દિવસ તો પુરી થવાની જ છે, છેલ્લે તો મરવાનું છે તો બસ હવે સારી રીતે જ જીવવી છે. પોતાનાથી શક્ય હોય એટલી સૌને મદદ કરવી, પોતાનાથી કોઇને’ય તકલીફ ન પહોંચે તેનો ખ્યાલ રાખવો.... અને છેલ્લે તો શ્મશાન માં જ જવાનું છે તો પ્રેમથી જ જીવવું તે બોધ જીવતે જીવત સોડતાણીને સૂતા પરાશર ને મળી ગયો હતો.


     પરાશરે ‘સ્વૅગનુ મંદિર’ ગેમ નો છેલ્લો દાવ પુરો કરતાં જ જીવનનો સાર સમજી ચુક્યો હતો. તેને પોતાની જીવતી મરણ યાત્રાનો વિડિયો અપલોડ કરી દીધો.


     પરાશર ના દરેક દાવ ને ‘સ્વૅગનુ મંદિર’ ગેમે પ્રસારીત કરી કરોડો લાઇક્સ અને ખૂબ મોટી કમાણી પણ કરી લીધી. ‘ સ્વૅગનુ મંદિર ’આ ગેમે જિંદગી બદલી નાખી શ્રેષ્ઠ ગેમની સર્વોત્તમ એપ બની ગઇ.


    પરાશર ની બદલાતી જિંદગી વિશ્વના સેંકડો લોકોએ નિહાળી અને તેનો રોકડ હિસ્સો પરાશર ને મળ્યો. પરાશરે તે બધી રકમ નવિન ને આપી દીધી અને પોતાના પરિવાર સાથે પ્રેમથી જીવવાનું શરુ કરી દીધુ.


      હવે પરાશર ખૂબ સારી રીતે સમજી ચુક્યો હતો કે, મોબાઇલ કરતા સાથે રહેલા માણસની કિંમત વધુ હોય છે. પોતાનો પરિવાર, મિત્રો અને પોતાને મળેલી જિંદગીનો સમય જ જીવનની શ્રેષ્ઠ મૂડી છે અને પરાશરે મોબાઇલની ગેમ ત્યજીને જીવનની સુખમય ગેમ રમવાનું શરૂ કર્યું.


*સારાંશ*


'તમારી બાજુમાં જીવતાં માણસને ધ્યાનથી જોઇ લેજો,

નહિતર એક હસતો ડિસ્પ્લે પણ કાયમ માટે ખોઇ દેશો.

ગેમ એવી હોય જે સુખમય જીવનનું સર્જન કરે.

નહિ કે કોઈના જીવનનું વિસર્જન કરે.'



(સંકલિત)

- નયના જે. સોલંકી

20 ઑગસ્ટ 2023

13. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર.

સૃષ્ટિનો છે એક જ પોકાર,
દીકરી બચાવી કરો ઉદ્ધાર.

 


મુદ્દાઓ : પ્રસ્તાવના અંધશ્રદ્ધા ઘર-કુટુંબ અને સમાજનો દુરાગ્રહ લાચાર યુવતીની મનોદશા પુત્રની લોલુપતા -હત્યા ઊભી થયેલી સામાજિક અસમાનતા ઉપાયો.

 

              સ્વતંત્રતા પ્રાપ્તિનાં ઘણાં વર્ષો પછી પણ આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવાં સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે રુંધવાનો પ્રયત્ન કરે છે. ઊંચનીચના ભેદ, અસ્પૃશ્યતા-શોષણ, જાતીય અસમાનતા, દહેજપ્રથા તથા ભૂણહત્યા-આ સામાજિક દૂષણો કેટલાંક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલાં છે. ધીરેધીરે આવાં દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ગંભીર બાબત છે.

       ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતાં ભૃણહત્યા કરાવતાં દંપતીઓની સંખ્યા દિવસેદિવસે ઘણી વધી ગઈ છે. ડૉક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવાં જઘન્ય કૃત્યો કરતાં જરા પણ અચકાતા નથી. ભૃણહત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી હોય છે, જેથી કન્યાજન્મનું પ્રમાણ દિન-પ્રતિદિન ઓછું થતું ગયું છે. વર્ષ 2001ની વસ્તીગણતરી પ્રમાણે સ્ત્રી-પુરુષનું જાતીય પ્રમાણ 933: 1000 છે.

       આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષના તારણ પ્રમાણે ઘણું નીચું ગયું છે. અત્યારે અંદાજે 833: 1000નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લાં સાત વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી છે, જે ખૂબ જ ચિંતાજનક છે.

       આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર-પુત્રીની ભેદરેખા ભૂંસી શકેલ નથી. દીકરી હોવાનું માલુમ પડતાં જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઇચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભૂણહત્યા કરાવવામાં આવે છે.

       પુત્રજન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે, અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ. પુત્રી પિંડદાન કરી શકે નહીં, તેવી માન્યતાઓ પ્રવર્તે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી.

       પુત્રીને આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે. તેને સાપનો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજપ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા-બાપ માટે બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર-પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાઈ છે. અત્યારે સ્ત્રી-ભૂણહત્યા માટે આ બધાં પરિબળો જવાબદાર છે.

       અત્યારે સમાજમાં સ્ત્રી-પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાને છોકરી મળવી સંભવ નથી. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ બનશે.

       સ્ત્રી-સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રીશોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણાજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્નસંસ્થાઓને જબરદસ્ત ફટકો પડશે. લગ્નસંસ્થાઓ તૂટશે. સામાજિક સમસ્યાઓથી સમાજવ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે, જે દેશને ભારે નુકસાન પહોંચાડશે.

       સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત કરવા (દરેક કાર્ય કરવા) તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારનાં કાર્યો હાથ ધરવાં જોઈએ.

       તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી-ભૃણહત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે.

 


19 ઑગસ્ટ 2023

12. નિબંધ લેખન - ધરતીનો છેડો ઘર .

 ધરતીનો છેડો ઘર 





મુદ્દાઓઃ પ્રસ્તાવના ઘર એક આશ્રયસ્થાન ઘર કોને ન કહેવાય?- ધરતીનો છેડો ઘરએ ઉક્તિનું  રહસ્ય ઉપસંહાર.

                 સવારે દાણા ચણવા ગયેલાં પંખીઓ સાંજે પોતપોતાના છે માળામાં પાછાં ફરે છે. સવારે નોકરીધંધે ગયેલા લોકો સાંજે પોતપોતાને ઘેર પાછા ફરે છે. સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતો સાંજે ઘેર પાછા ફરે છે. સવારે ચારાની શોધમાં નીકળેલા ગોવાળિયાઓ અને ગાયોનાં ધણ પણ સાંજે ઘર ભણી પાછાં વળે છે. આમ, માનવી હોય કે પશુપંખી, સાંજે તેમને પોતાના ઘરે પાછાં ફરતાં આનંદ થાય છે.

 

              ઘર એ માનવીનું, માળો એ પંખીનું, તો ગુફા એ સિંહ જેવાં પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. દરેક જીવને પોતાના ઘરમાં કે આશ્રયસ્થાનમાં નિરાંતનો અનુભવ થાય છે. માનવી સાંજે ઘરે આવીને જમી પરવારીને આરામ કરે છે. તે પોતાનાં બાળકો અને પત્ની સાથે બેસીને પોતાની દિવસભરની પ્રવૃત્તિઓની તથા સુખદુઃખની વાતો કરે છે. સાંજે બાળકો પણ માબાપ અને અન્ય કુટુંબીજનો સાથે મોકળા મને વાતચીત કરે છે.

              ઘરના વાતાવરણમાં બાળકોને સહજ રીતે જ કેટલીક તાલીમ મળે છે. તેમનામાં માબાપના સારા સંસ્કારો ઊતરે છે. ઘર અને નિશાળ એ બંને બાળકની તાલીમશાળાઓ છે. બાળકનો વધુમાં વધુ વિકાસ તેના ઘરમાં જ થાય છે. ઘરમાં કોઈ સાજુમાંદુ થાય ત્યારે ઘરના સભ્યો તેની સેવા કરે છે. સંયુક્ત કુટુંબમાં માબાપ, કાકાકાકી, દાદાદાદી વગેરે સાથે રહેતાં હોય છે. આથી એ સૌને એકબીજાની હૂંફ મળી રહે છે.

              જે ઘરના સભ્યો યંત્રવત્ જીવન જીવતાં હોય, એમને એકબીજા પ્રત્યે લાગણી ન હોય અને એમનામાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય, તે ઘરને ઘર કહી ન શકાય. જ્યાં સતત કજિયાકંકાસ થતા હોય, કુટુંબના સભ્યો પરસ્પર અવિશ્વાસ રાખતાં હોય, કોઈકોઈની માનમર્યાદા સાચવતું ન હોય, કુટુંબના દરેક સભ્યના મનમાં માત્ર સ્વાર્થની જ ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય તો તે ઘર નથી, નિર્જીવ મકાન છે.

 

 

Hands make House, Hearts make Home.

 

              પોતાનું ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પરંતુ માનવીને પોતાના ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આવો અનુભવ તેને બીજે ક્યાંય થતો નથી. તે પોતાના ઘરમાં સર્વત્ર મુક્ત રીતે હરીફરી શકે છે. માનવી દુનિયાના ગમે તે દેશમાં જાય અને ત્યાં ગમે તેટલી સારી સગવડો ભોગવે, છતાં તેને તેના જીવનમાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે. આથી તે બેચેની અનુભવે છે.

              જ્યારે તે પોતાના ઘરમાં આવી પહોંચે છે, ત્યારે જ તેને હાશનો અનુભવ થાય છે. માતાને પોતાના બાળક પ્રત્યે જેવી લાગણી હોય છે, એવી જ લાગણી માનવીને પોતાના ઘર પ્રત્યે હોય છે. ભાંગ્યુંતૂટ્ય પણ પોતાનું ખોરડું માણસને અતિ પ્રિય હોય છે. માટે જ ધરતીનો છેડો ઘરએમ કહેવાય છે.

       આ બાબતને વિશાળ અર્થમાં લઈએ તો એવું કહી શકાય કે, વતનની ધૂળમાં આપણને જે મજા આવે છે તે પરદેશની પાકી સડકો પર પણ નથી આવતી. કવિશ્રી આદિલ મનસૂરીએ લખ્યું છેઃ

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ’,
ફરી આ ધૂળ, ઉમ્રભર મળે ન મળે.

 

       વતનના ખોરડામાં આપણને જે સુખશાંતિનો અનુભવ થાય છે, એવો અનુભવ પરદેશના આલીશાન બંગલામાં પણ નથી થતો. વતનના રોટલામાં જે મીઠાશ રહેલી છે, તે પરદેશના પકવાનમાં પણ નથી હોતી. માટે જ એક કવિએ કહ્યું છેઃ

“મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહિ રે જાવું.

 

 


18 જુલાઈ 2023

નિબંધ લેખન - 10. મારો યાદગાર પ્રવાસ

        નિબંધ લેખન -   મારો યાદગાર પ્રવાસ


( મુદ્દાઓ : પ્રસ્તાવના -જીવનમાં પ્રવાસનું મહત્ત્વ – જોયેલા સ્થળનું વર્ણન – અનુભવો – ઉપસંહાર)

“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, 
 જંગલની કુંજકુંજ જોવી હતી …”

  – ઉમાશંકર જોશી

“પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ.”

– કાકા કાલેલકર

    ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઑક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહીધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે બે જોડ કપડાં, પ્યાલો, ટૉર્ચ, નાની શેતરંજી, ચોરસો વગેરે લીધાં હતાં.

      અમે સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા પછી પદયાત્રાની શરૂઆત કરી. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાંને કીડીવેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાનાં નાનાં અનેક મંદિરો તથા દેરીઓ આવતાં હતાં. સૌ યાત્રાળુઓ જય ગિરનારી’નો નાદ ગજવતા ચાલતા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી, અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા.

      ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની { પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો.

      સવારે ચાર વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયાં. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. ત્રણ દિવસમાં ત્રણ પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યાં. મંદિરની પડખે જ એક ખેતર હતું.


     ત્યાં પાણીનો બોર હતો. બે દિવસ હાડમારી વેક્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતાં અમે રાજી રાજી થઈ ગયાં. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળુ કર્યું. રાતે ખુલ્લા મેદાનમાં સૂવાનો લહાવો પણ અમે લીધો.

     વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા-નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડાટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું.

     વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા-નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડાટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું.

     સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. બાપા પ્રેમથી જમજો’ એવું કહી કહીને તેઓ સોને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. “અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે’ એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યાં.

      સાંજે અમે જૂનાગઢ પાછાં આવ્યાં. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યાં. લોકોની ધાર્મિક ભાવના, નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને { પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો.

     આ ત્રણ દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા-સાંભળ્યા નહોતા છતાં અમને એની ખોટ જરીકે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશાં યાદ રહેશે.

05 જુલાઈ 2023

નિબંધલેખન : 2. સ્વચ્છતા

 

નિબંધલેખન : સ્વચ્છતા


·         મુદ્દાઓ પ્રસ્તાવના શરીરની સ્વચ્છતા ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો ગામડાં અને શહેરોની સ્થિતિ ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો સ્વચ્છતાની જવાબદારી વિદેશોમાં સ્વચ્છતા ઉપસંહાર

 

       આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવાં જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાએવું સૂત્ર આપ્યું.

       શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવાં જોઈએ. સ્નાન કરતી વખતે શરીરનાં બધાં અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણાં કપડાં પણ સ્વચ્છ હોવાં જોઈએ.સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે.

       જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી 3 જરૂરી છે. આપણે આપણા ઘરનાં બારીબારણાં, ભોંયતળિયું, છત, ? દીવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું હું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ.

       ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ.

       આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણાં ગામડાંમાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરનાં આંગણાં જ 3 ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અનેક રોગોના ભોગ બની જાય છે. શહેરની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે.

       ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે રૂ આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈકામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈકામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણકાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ન તાલીમ સારૂં સે શુક હોતી એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે.

       વળી, શ્રમશિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞકાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડાંમાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે.

       તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ-કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથસહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગ્રત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય.

       અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ સભાન અને જાગ્રત હોય છે. ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો નામનિશાન પણ હોતું નથી. અમેરિકામાં એક વાર ફળના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાથ્યની યોગ્ય જાળવણી થઈ શકે.

       આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવાં પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે, સાથેસાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ-ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેરઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે.

 

સહયોગ આપનારાઓ