સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

29 જૂન 2023

નિબંધ લેખન : 7. પ્રાર્થના -જીવનનું બળ

 પ્રાર્થના -જીવનનું બળ


·         મુદાઓઃ પ્રસ્તાવના ઈશ્વરના ઋણી વિવિધ ધર્મોમાં પ્રાર્થના પ્રાર્થનાની શક્તિ અને તેનાં ઉદાહરણ પ્રાર્થનાના સંસ્કાર ઉપસંહાર

 

       શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્ત્વિક ખોરાક જરૂરી હોય છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે.

       ઈશ્વરે આપણને મનુષ્યદેહ આપીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે. વળી, ઈશ્વર આપણને હવા, પાણી અને પ્રકાશ પૂરાં પાડે છે. હજાર હાથવાળા પ્રભુના ઉપકારનો બદલો વાળવા માટે બે હાથવાળો માનવી સમર્થ નથી. તેથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીને તેનો આભાર માનીએ છીએ.

       રેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્ત્વ છે. ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. મુસલમાનો દિવસમાં પાંચ વાર નમાજ પઢે છે. હિંદુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજનકીર્તન કરે છે.

       પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે. પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે. પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારોને દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને સ્વાર્થરહિત બનાવે છે. ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે.

       પ્રાર્થનાથી મનુષ્યને દુઃખનો સામનો કરવાનું બળ મળે છે. પ્રાર્થનાથી મનુષ્ય નમ્ર બને છે. પ્રાર્થના કરવાથી આપણે આપણા દોષો શોધી શકીએ છીએ.

       ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી અદ્ભુત ચમત્કારો સર્જાયા છે. ભક્ત ભગવાનને પોકારે ત્યારે તેણે ભક્તની સહાય કરવા આવવું પડે છે. દ્રોપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ તેને નવસો નવ્વાણું ચીર પૂરાં પાડ્યાં હતાં. સતી સાવિત્રીની પ્રાર્થના વડે તેના પતિને જીવતદાન મળ્યું હતું. ભગવાને પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાનાં અનેક કામો કરી આપ્યાં હતાં.

       તેણે શામળશા શેઠ નામ ધારણ કરીને નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી તેમજ કુંવરબાઈનું મામેરું કર્યું હતું. બાબર ખુદાની બંદગી કરીને મરણપથારીએ સૂતેલા પોતાના દીકરા હુમાયુને બચાવી શક્યો હતો. મીરાને રાણા દ્વારા આપવામાં આવેલું ઝેર મીરાની પ્રાર્થના અને ભક્તિ વડે અમૃતમાં ફેરવાઈ ગયું હતું.

       પ્રાર્થનાનું આપણા જીવનમાં આટલું બધું મહત્ત્વ હોવાથી આપણે કોઈ પણ શુભ કાર્ય પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ. બાળકોમાં પ્રાર્થના કરવાનાં સંસ્કાર કેળવાય તે માટે દરેક શાળામાં નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે.

       ગાંધીજી પણ સવાર-સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા. ગાંધીજી કહેતા કે, “ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી.ગાંધીજી સાથે અનેક લોકો પ્રાર્થનામાં જોડાતા હતા. પ્રાર્થના મોટેથી ગાઈને અથવા મનોમન પણ કરી શકાય. ભજનકીર્તન અને સત્સંગ એ બધાં પ્રાર્થનાનાં જ વિવિધ સ્વરૂપો છે.

       આપણે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ. આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે ભૌતિક સુખોની માગણી કરવાને બદલે મનની શાંતિ માગવી જોઈએ. ઉમાશંકર જોશીએ એક કાવ્યમાં કહ્યું છે:

ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ.
બહુ દઈ દીધું નાથ! જા, ચોથું નથી માગવું.

 

ટિપ્પણીઓ નથી:

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.