*બોર્ડ પરીક્ષાનું મહાયુદ્ધ*
*ધોરણ-૧૦ની મહાયુદ્ધ સમાન મનાતી પરીક્ષા વખતે સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓની જેટલી સંખ્યા હોય એના કરતા બમણી સંખ્યામાં વાલીઓ સ્કૂલના ગેટ પર જોવા મળે.*
આને આપણે ૩ ભાગમાં વહેંચણી કરીને સમજીએ.
*૧) પ્રસ્થાન*
ગેટની બહાર લગભગ એક કલાક વહેલા આવેલા વાલીઓ અતિઉત્સાહમાં અને વિદ્યાર્થીઓ ચિંતામાં ઉભા છે. ઘણા વાલીઓ પોતાના બાળકને રાજ તિલક અને પ્રસાદી સાથે યુદ્ધમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. સાથે આવેલા સંબંધીઓ હૃદયમાં ભેગી કરેલી બધી જ સલાહો વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.. અમુક સજ્જનો હિંમત અને તાકાત પણ ભરી રહ્યા છે... હવે વિદ્યાર્થીઓ શાળાના ગેટ તરફ વળે છે વાલીઓ અસંખ્ય આશાઓ અને સપનાઓ જોવા લાગે છે.પોતાના બાળકોને પરીક્ષાખંડ સુધી મુકવા માટે આવેલા વાલીઓ જ્યાં સુધી બાળક પરીક્ષા પૂર્ણ કરી બહારના આવે ત્યાં સુધી મહાબલી વાલી સમાન ત્યાંથી પરત ફરવાનું નામ જ ના લે.
*૨) પરીક્ષા નંબર-૨*
બાળક જેવું બહાર આવશે તરત જ મોટાભાગના વાલીઓના મુખે પહેલો પ્રશ્ન હશે "કેવું ગયું?" "કેટલા ટિક કર્યા?" "અધૂરું તો નથી ગયું ને?"... આવા પ્રશ્નો સાથે વિદ્યાર્થીઓ વધુ એક પરીક્ષા આપવાનું શરૂ કરશે.
*3) પત્રકાર સમૂહ*
વાલીઓ પોતાના વિદ્યાર્થીને પરીક્ષા આપીને જેવા ઘરે પરત ફરે કે એક પાડોશી બેને બૂમાબૂમ કરી દીધી.. "મારા લાલ્યાએ તો માત્ર ૧ કલાકમાં આખું પેપર છાપી નાખ્યું" બીજા એક ભાઈ એ સવાલ કર્યા.. "શું બકુલ કેવી રહી પરીક્ષા?" બકુલના મનની સ્થિતિ માત્ર બકુલ જ જાણે... સોસાયટી અને સમાજનો નાનામાં નાનો માણસ પણ એ દિવસે પત્રકાર બની જશે... ઘણા ૬ ચોપડી ભણેલા લોકો ટોકવા લાગશે.. "એટલે જ કહેતા હતા ભણવામાં ધ્યાન રાખો.. બાજુ વાળો પિન્ટુ જો ૧૬-૧૭ કલાક મહેનત કરે છે.
આ ત્રણ ભાગમાંથી પ્રસાર થઈને આવેલો એક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાના ઓરડામાં જઈને બંધ દરવાજા પાછળ હતાશ થઈ જાય છે કારણ કે બધાની પરીક્ષા સારી ગઈ પણ પોતાની સ્થિતિ એ જાણે છે.. વિદ્યાર્થીમાંથી યુદ્ધ વીર જાહેર કરેલું એક કોમળ બાળક વાલીઓના સપનાઓ, સગા સંબંધી/સમાજના પ્રશ્નોના ડરના લીધે આખરે પંખે લટકીને આત્મહત્યા કરે છે અથવા તો પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠશે.
એ વિદ્યાર્થી છે પરીક્ષા આપવા જઈ રહ્યો છે હા માની શકાય એક માતા પિતાને ઉત્સાહ, ઉમંગ અને અસંખ્ય સપનાઓ હોઈ શકે. પરતું આ પરીક્ષા એની પોતાની છે એને એકલા પાર કરવા માટે હિંમત આપો સાથ આપો સહકાર આપો પરંતુ મહેરબાની કરીને તમે પોતે તલવાર લઈને ભાગીદાર બની એની સાથે યુદ્ધમાં ના ઉતરશો. આગળ ભવિષ્યમાં હજી એને આના કરતાંય મોટા સંઘર્ષ લડવાના છે શું તમે દરેક જગ્યાએ એમના સંઘર્ષના ભાગીદાર બની જશો? તો એ પોતે ક્યારે શીખશે ? તમારી લાગણી સમજી શકાય છે. પરંતુ શાળાના ગેટની બહાર અટલી ભીડ જોઈને તમારા બાળકો એ જ સમયે ૫૦% ડરી જતા હોય છે. અગાઉથી રાખેલી આશાઓ એમના માટે ઘાતક જ સાબિત થશે. અગાઉથી જ એમનામાં આત્મવિશ્વાસ ભરો એને સપોર્ટ કરો તિલક કરો શ્રદ્ધાનું હિમતનું આત્મવિશ્વાસનું પ્રસાદી પણ આપો હસતાં મોઢે પરંતુ એમની જોડે પરીક્ષા આપવા પોતે જશો નહીં.. બની શકે આજે તમને આવું વાંચ્યા બાદ ખોટું લાગી શકે પણ આવનારા સમયમાં તમારા બાળકને આત્મવિશ્વાસ સાથે જીવનના દરેક શિખરો એકલો ચઢતા જોશો ત્યારે તમને ગર્વ થશે. તમારો આશીર્વાદ અને સહકાર એમના માટે કાફી છે. ગેટ પર ભીડ કરીને મહેરબાની કરીને બોજરૂપી ના બનશો. સાગસંબંધીઓ અને પાડોશીઓને પણ વિનંતી છે મહેરબાની કરીને પત્રકાર ના બનશો.. તમેં એ ના ભૂલશો કે એક સમયે તમે પણ વિદ્યાર્થી હતા.. અને મને ખબર છે પોતે કેટલા વિષયમાં નાપાસ થઈને પત્રકાર બન્યા છો..🤪
*વિદ્યાર્થીઓ માટે...*
વિના કોઈ ચિંતા કે ઊંચ નીચ કરવાવાળા લોકોની વાતોને મન પર લીધા વગર મોજથી પરીક્ષા આપો.. જેવી તમારી તૈયારી, રુચિ અને મહેનત હશે એવું પરિણામ મળશે.. પરિણામ વિશે અગાઉથી કોઈપણ પ્રકારનું અનુમાન, વિચારો કરીને મૂંઝવણમાં આવવું નહીં.. ગમે તેવી નિષ્ફળતા કે હાર પછી પણ એક મેદાન ફરી મળે જ છે લડવા માટે... તો જલસા કરો આનંદમય રહીને પરીક્ષા આપો.
"પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત"
વિજયી ભવ💐
*-મેહુલ વઢવાણા 'માધવ*
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
1 ટિપ્પણી:
આદરણીય શ્રી નયનાબેન જે સોલંકીએ આ ચિંતન લેખ દ્વારા બોર્ડની પરીક્ષા વિશે સરસ માહિતી આપી છે. વાલી અને વિદ્યાર્થી વર્ગને સરસ માહિતી પીરસવામાં આવી છે... શ્રી નયનાબેનને ❤️ ખૂબ ખૂબ અભિનંદન 💐💐🌹💐💐🌹💐💐
ટિપ્પણી પોસ્ટ કરો