સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

19 ઑગસ્ટ 2023

12. નિબંધ લેખન - ધરતીનો છેડો ઘર .

 ધરતીનો છેડો ઘર 





મુદ્દાઓઃ પ્રસ્તાવના ઘર એક આશ્રયસ્થાન ઘર કોને ન કહેવાય?- ધરતીનો છેડો ઘરએ ઉક્તિનું  રહસ્ય ઉપસંહાર.

                 સવારે દાણા ચણવા ગયેલાં પંખીઓ સાંજે પોતપોતાના છે માળામાં પાછાં ફરે છે. સવારે નોકરીધંધે ગયેલા લોકો સાંજે પોતપોતાને ઘેર પાછા ફરે છે. સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતો સાંજે ઘેર પાછા ફરે છે. સવારે ચારાની શોધમાં નીકળેલા ગોવાળિયાઓ અને ગાયોનાં ધણ પણ સાંજે ઘર ભણી પાછાં વળે છે. આમ, માનવી હોય કે પશુપંખી, સાંજે તેમને પોતાના ઘરે પાછાં ફરતાં આનંદ થાય છે.

 

              ઘર એ માનવીનું, માળો એ પંખીનું, તો ગુફા એ સિંહ જેવાં પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. દરેક જીવને પોતાના ઘરમાં કે આશ્રયસ્થાનમાં નિરાંતનો અનુભવ થાય છે. માનવી સાંજે ઘરે આવીને જમી પરવારીને આરામ કરે છે. તે પોતાનાં બાળકો અને પત્ની સાથે બેસીને પોતાની દિવસભરની પ્રવૃત્તિઓની તથા સુખદુઃખની વાતો કરે છે. સાંજે બાળકો પણ માબાપ અને અન્ય કુટુંબીજનો સાથે મોકળા મને વાતચીત કરે છે.

              ઘરના વાતાવરણમાં બાળકોને સહજ રીતે જ કેટલીક તાલીમ મળે છે. તેમનામાં માબાપના સારા સંસ્કારો ઊતરે છે. ઘર અને નિશાળ એ બંને બાળકની તાલીમશાળાઓ છે. બાળકનો વધુમાં વધુ વિકાસ તેના ઘરમાં જ થાય છે. ઘરમાં કોઈ સાજુમાંદુ થાય ત્યારે ઘરના સભ્યો તેની સેવા કરે છે. સંયુક્ત કુટુંબમાં માબાપ, કાકાકાકી, દાદાદાદી વગેરે સાથે રહેતાં હોય છે. આથી એ સૌને એકબીજાની હૂંફ મળી રહે છે.

              જે ઘરના સભ્યો યંત્રવત્ જીવન જીવતાં હોય, એમને એકબીજા પ્રત્યે લાગણી ન હોય અને એમનામાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય, તે ઘરને ઘર કહી ન શકાય. જ્યાં સતત કજિયાકંકાસ થતા હોય, કુટુંબના સભ્યો પરસ્પર અવિશ્વાસ રાખતાં હોય, કોઈકોઈની માનમર્યાદા સાચવતું ન હોય, કુટુંબના દરેક સભ્યના મનમાં માત્ર સ્વાર્થની જ ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય તો તે ઘર નથી, નિર્જીવ મકાન છે.

 

 

Hands make House, Hearts make Home.

 

              પોતાનું ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પરંતુ માનવીને પોતાના ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આવો અનુભવ તેને બીજે ક્યાંય થતો નથી. તે પોતાના ઘરમાં સર્વત્ર મુક્ત રીતે હરીફરી શકે છે. માનવી દુનિયાના ગમે તે દેશમાં જાય અને ત્યાં ગમે તેટલી સારી સગવડો ભોગવે, છતાં તેને તેના જીવનમાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે. આથી તે બેચેની અનુભવે છે.

              જ્યારે તે પોતાના ઘરમાં આવી પહોંચે છે, ત્યારે જ તેને હાશનો અનુભવ થાય છે. માતાને પોતાના બાળક પ્રત્યે જેવી લાગણી હોય છે, એવી જ લાગણી માનવીને પોતાના ઘર પ્રત્યે હોય છે. ભાંગ્યુંતૂટ્ય પણ પોતાનું ખોરડું માણસને અતિ પ્રિય હોય છે. માટે જ ધરતીનો છેડો ઘરએમ કહેવાય છે.

       આ બાબતને વિશાળ અર્થમાં લઈએ તો એવું કહી શકાય કે, વતનની ધૂળમાં આપણને જે મજા આવે છે તે પરદેશની પાકી સડકો પર પણ નથી આવતી. કવિશ્રી આદિલ મનસૂરીએ લખ્યું છેઃ

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ’,
ફરી આ ધૂળ, ઉમ્રભર મળે ન મળે.

 

       વતનના ખોરડામાં આપણને જે સુખશાંતિનો અનુભવ થાય છે, એવો અનુભવ પરદેશના આલીશાન બંગલામાં પણ નથી થતો. વતનના રોટલામાં જે મીઠાશ રહેલી છે, તે પરદેશના પકવાનમાં પણ નથી હોતી. માટે જ એક કવિએ કહ્યું છેઃ

“મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહિ રે જાવું.

 

 


ટિપ્પણીઓ નથી:

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.