સુમન હાઇસ્કુલ નંબર : 3
“રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે,
જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ?
મેં કહ્યું, દફ્તર હવે ખભે નથી એટલું જ !
બાકી લોકો આજેય ભણાવી જાય છે…..”
આજે પણ જ્યારે હું એ રસ્તેથી પસાર થાવ છું, ત્યારે ત્યારે મારા માનસપટ પર એ મારી શાળાની સ્મૃતિઓ તાજી થઈ જાય છે. શાળા એ એક એવું સ્થળ છે, જ્યાં જિંદગીના દરેક પાઠ ભણાવવામાં આવે છે. આજે પણ હું જ્યારે મારી શાળાનું એ જૂનું મકાન જોવું, ત્યારે મને ફરીથી નાના બાળક થઈ જવાનું મન થાય છે, ફરીથી એ મસ્તી કરવાનું મન થાય છે. એમ થાય કે, ક્યાં મોટા થઈ ગયા, હજુ તો શાળાની ઘણી ધીંગામસ્તી કરવાની બાકી છે.
વર્ગખંડની યાદ આવે એટલે તરત જ એવું થઈ જતું કે જાણે અમને જેલમાં પૂરી દીધા હોય. ૬ – ૬ કલાક સુધી સતત એક જ ક્લાસમાં બેસીને ભણ્યા કરવું એ અમારા માટે તો જેલમાં પુરાઈ રહેવા બરાબર જ હતું. પરંતુ જિંદગીના 12 વર્ષ સ્કૂલમાં વિતાવ્યા પછી, જ્યારે હકીકતની દુનિયામાં આવવાનો સમય થયો ત્યારે સમજાયું કે, ” જેને હું મારી સ્કુલ માનતો હતો અને જેને હું જેલ કહેતો હતો તે તો ખરા અર્થમાં સ્વર્ગ હતું.” મને આજે પણ મારી એ સ્કૂલ આબેહૂબ યાદ છે.
એક શાળા દર વર્ષે ઘણા મહાન લોકો પેદા કરીને દેશની સેવા કરે છે. તે એક એવી જગ્યા છે જ્યાં રાષ્ટ્રનું ભવિષ્ય ઘડાય છે. ઠીક છે, શાળા એ માત્ર શિક્ષણ અને જ્ઞાન મેળવવાનું માધ્યમ નથી, પરંતુ તે એક પ્લેટફોર્મ પણ છે.
મિત્રો તમને ખબર છે કે શાળામાંથી પણ શીખવા મળે છે, અને જીંદગીમાંથી પણ. તો પછી તે બંનેમાં ફરક શું ? શાળામાં પહેલા શીખવાનું હોય છે, અને પછી પરીક્ષા હોય છે. જ્યારે જિંદગીમાં ! પહેલા પરીક્ષા હોય છે, અને પછી શીખવા મળે છે. જિંદગીની પરીક્ષા પાસ કરવા બેસીએ ને ત્યારે ખબર પડે કે, તેના કરતાં તો શાળાની પરીક્ષા સારી હતી. મારું જીવન એ પણ “મારી શાળા” સમાન જ છે. ફરક ખાલી એટલો જ છે કે, જીવનરૂપી શાળામાં આપણને એ નથી ખબર કે આપણે કયા વર્ગમાં છીએ અને હવે આપણે કઈ પરીક્ષા આપવાની છે ? મને “મારી શાળા” હંમેશા યાદ રહેશે……
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો