સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

26 જૂન 2023

નિબંધ લેખન : 9. વર્ષાઋતુ

 નિબંધ લેખન - વર્ષાઋતુ 


·         મુદ્દાઓ : પ્રસ્તાવના વર્ષાનું સ્વાગત અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી શ્રાવણ મહિનામાં મેઘરાજાની ઝરમર વાતાવરણ રમણીય અને કમનીય- ઉપસંહાર.

 

       એક સોહામણી સાંજે મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસ્યા. એ સાંજે મેઘરાજાએ પ્રજાને પોતાના જળબંબાકાર રૂપનું અનોખું દર્શન કરાવ્યું.

 

       સૂરજના આકરા તાપથી ભૂમિ અને ભૂમિવાસીઓ ત્રસ્ત થઈ ગયા હતા. ત્યાં અચાનક આકાશ વાદળોથી ઘનઘોર છવાઈ ગયું. વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદમાં નદીકિનારે ફરવા નીકળેલા કૉલેજના વિદ્યાર્થીઓ પર વીજળી જોરથી કડાકા સાથે પડી અને એક વિદ્યાર્થિનીનું પ્રાણપંખેરું ઊડી ગયું. બીજાને ઘાયલ કરી દીધા.

       જોતજોતામાં મેઘરાજાનું એકચક્રી શાસન શરૂ થયું. નાનીમોટી ગાડીઓ પાણીમાં નાવ બનીને તરવા લાગી. મોટાં તોતિંગ ઝાડ તૂટ્યાં. રસ્તાઓ પર જાણે કાચો પુલ તૈયાર થઈ ગયો.

       પવનના વેગીલા સૂસવાટા આગળ છત્રી, રેઇનકોટ કે શણની ગૂણીનું શું ગજું? ખેતરેથી ઘેર પાછા ફરતા ખેડૂતોની ગૂણી માથા પરથી ક્યાંય દૂર ફેંકાઈ ગઈ અને ખેડૂતોને પાણીથી તરબોળ કરી દીધા. શાળાએથી પાછાં ફરતાં બાળકોને તો એ વરસતા વરસાદમાં નહાવાની મજા આવતી હતી.

       કામધંધેથી ઘેર જઈ રહેલા માણસોની હાલત કફોડી થઈ ગઈ. ટેલિફોનો કહ્યા વગર હડતાલ પર ઉતરી ગયા, ઠેરઠેર મોબાઇલ નેટવર્ક પણ ઠબ થઈ ગયા. આથી કુટુંબીજનો ચિંતામાં પડી ગયાં. નીચલા વિસ્તારનાં કેટલાય ઘરોમાં મેઘરાજાની અતિ મહેર ભારે પડી ગઈ. તેમનાં ઘર પાણીમાં તરવા લાગ્યાં.

       ફૂટપાથ પર રહેતા બિચારા ગરીબોની તો એકદમ બૂરી હાલત હતી, પણ આ વખતે સૌથી વધુ ફાયદો હોટલોવાળાને અને સ્ટેશન પરના સ્ટોલવાળાને થયો. રસ્તા પર અટવાઈ ગયેલાઓએ હોટલમાં જઈને પેટની ભૂખ સંતોષી તો સ્ટેશન પરના સ્ટોલવાળાને ત્યાં પ્રવાસીઓની ભીડ જામી.

‘આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે મેઘાડંબર ગાજે.

 

       આષાઢી મેઘરાજાનું આવું તોફાની અને ભયાનક રૂપ માનવીને કેવાં હેરાન પરેશાન કરી મૂકે છે તે નજરોનજર જોવા મળ્યું. પણ આ જ મેઘરાજા ઝરમર વરસે ત્યારે વાતાવરણ શીતળ થઈ જાય છે. શ્રાવણ મહિનામાં ધીમેધીમે કુસુમરજ લઈ ડોલતો વાયુ વાયની જેમ મેઘરાજાને ઝરમર વરસતા જોઈને કવિ રાજેન્દ્ર શાહની પંક્તિઓ યાદ આવી જાય છે:

આ શ્રાવણ નીતય સરવડે કોઈ ઝીલોજી,
પેલાં રેલી ચાલ્યાં રૂપ, કોઈ ઝીલોજી.

       વીણાના તારની જેમ રણઝણતો વરસાદ, મંદમંદ વહેતા પવનની સાથે વાતાવરણમાં ફેલાતી માટીની સુગંધ, વરસાદમાં નહાતાં બાળકોની કિલકિલાટ, ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચૂંદલડીએવું ગાતી નવયૌવનાના ખુશખુશાલ ચહેરાઓ, ગાયોની કોટે બાંધેલી ઘંટડીઓના મધુર અને કર્ણપ્રિય રણકાર વગેરેથી વર્ષની શ્રાવણી સાંજ અતિ રમણીય અને કમનીય લાગે છે.

 

ટિપ્પણીઓ નથી:

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.