બે ભાઈઓ હતા રામભાઇ અને લક્ષ્મણભાઈ. બન્ને બાજુ બાજુના ખેતરોમાં રહેતા હતા. છેલ્લા ૪૦ વર્ષોથી સાથે ખેતી કરતા, એક બીજાના સાધનો અને ઓજાર વાપરતા, પોતાના સામાન અને મજૂરોની પણ આપ લે અચકાયા વગર કરતા.એક બીજા સાથે આટલું સંપીને રહેતા હતા છતાં પણ એક દિવસ એક નાની ગેરસમજને કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડાએ એક મોટું સ્વરૂપ લીધું. અંતમાં બન્નેએ એક બીજાને ના કહેવાના શબ્દો કહ્યા. તેના કારણે ઘણા અઠવાડિયા સુધી બન્ને વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો.
એક દિવસ સવારે કોઈએ રામભાઇનો દરવાજો ખટખટાવ્યો. રામભાઈએ દરવાજો ખોલ્યો. તેણે એક સુથારને પોતાના ઓજારો સાથે ઊભેલો જોયો. “મને થોડા દિવસ માટે કામની જરૂરત છે.” સુથારએ કહ્યું. “તમારી પાસે મારા લાયક કોઈ કામ છે? શું હું તમારી મદદ કરી શકું છું?” “હા,” રામભાઈએ કહ્યું. “મારી પાસે તારા માટે કામ છે. ખેતરના છેડે આવેલા પાણીના નાળાની પેલી બાજુ જો. તે મારો પડોશી છે. હકીકતમાં તે મારો નાનો ભાઈ છે. ગયા અઠવાડિયે ત્યાં એક ઘાસનો મોટો કયારો હતો. બે દિવસ પહેલાં જ તેણે બુલડોઝરની મદદથી બે ખેતરની વચ્ચે તે નાળુ ખોદ્યું છે. તેણે જાણી જોઈને મને હેરાન કરવા માટે આમ કર્યું છે, પણ હું તેનાથી બે ડગલા આગળ છું. ત્યાં કોઠારમાં રાખેલા લાકડાનો ઢગલો દેખાય છે? તો મારી ઈચ્છા છે કે કે તું એક આઠ ફૂટની વાડ બનાવ. જેથી મારે તેનું ખેતર કે તેનું મોઢું જોવું ન પડે.”
સુથારે કહ્યું, “હું તમારી પરિસ્થિતિ સમજી ગયો છું. મને ખીલા અને બીજા ઓજારો બતાવી દો અને હું તમારા કહ્યા મુજબ વાડ બાંધી આપીશ.”રામભાઈને શહેરમાં જવાનું હતું તેથી સુથારને બધો સામાન આપીને તેઓ શહેરમાં જવા રવાના થયા.
સુથારે માપ લીધું, કરવતથી લાકડા કાપ્યા અને ખીલા માર્યા. તેણે કામ પૂરું કરવા આખો દિવસ સખત મહેનત કરી. સંધ્યા સમયે જ્યારે રામભાઇ પાછા આવ્યા ત્યારે જ સુથારનું કામ પૂરું થયું. રામભાઇ સુથારનું કામ જોઇને સ્તબ્ધ થઈ ગયા. તેના પગ જમીનમાં જકડાઈ ગયા. ત્યાં વાડને બદલે પુલ હતો. એવો પુલ જે નાળાની એક બાજુથી બીજી બાજુ જતો હતો. સાથે આ સુંદર પુલની ઉપર એક બાજુથી બીજી બાજુ પકડીને ચાલવા માટે રેલીંગ પણ હતી અને તેનો પડોશી જે તેનો નાનો ભાઈ લક્ષ્મણ હતો તે પોતાના બન્ને હાથ ફેલાવીને તેની તરફ આવતો હતો. તેણે કહ્યું, “મોટાભાઈ તમે કેટલા સમજુ છો. મેં તમને આટલા બધા અપશબ્દો કહ્યા છતાં પણ તમે તેની અવગણના કરી અને પુલ બનાવ્યો.”
બન્ને ભાઈઓ પુલના બન્ને છેડે ઊભા હતા. તેઓ બન્ને પુલની વચ્ચે આવીને મળ્યા. બન્નેએ એક બીજાનો હાથ પકડી લીધો. ત્યારે તેમની નજર સુથાર પર પડી જે પોતાના ઓજારોની પેટી ખભા પર ઊંચકીને જઈ રહ્યો હતો. રામભાઈએ તેને બૂમ પાડી. ઊભો રહે, તું થોડા દિવસ માટે રોકાઈ જા. મારી પાસે તારા માટે હજી બીજું પણ કામ છે.” સુથારે જવાબ આપ્યો, “હું જરૂર રોકાઈ જાત પણ મારે હજી ઘણા પુલ બનાવવાના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો