*World Sparrow Day : વિશ્વ ચકલી દિવસ*
ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ પંક્તિઓ પ્રખ્યાત કવિ રમેશ પારેખની યાદ આવે છે. “તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.”
આજે 20મી માર્ચ સમગ્ર દુનિયામાં “Sparrow Day” તરીકે ઉજવવામાં આવે છે. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે- ‘ચીં…ચીં..’ ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હંમેશાંને માટે લુપ્ત થઈ જશે !
કવિ શ્રી ઉમાશંકર જોષી દ્વારા લિખિત આ પંક્તિ, યાદ આવે છે કે, “વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ”
દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં 'સ્પેરો ડે' તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને સમગ્ર વિશ્વમાં સ્પેરો(ચકલી) પક્ષીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને સ્પેરોના (ચકલી) સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલીએ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિઓમાંની એક છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય અદ્રશ્ય થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે.
*વિશ્વ સ્પેરો દિવસની શરૂઆત કેવી રીતે થઈ?*
નેચર ફોરએવર સોસાયટી (ઇન્ડિયા) અને ઇકો-સીસ એક્શન ફાઉન્ડેશન (ફ્રાન્સ)ના સહયોગથી દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત નાસિકના રહેવાસી મોહમ્મદ દિલાવરે ચકલી પક્ષીની ભયંકરપ્રજાતિઓને મદદ કરવા માટે 'નેચર ફોરએવર સોસાયટી' (NFS)ની સ્થાપના કરીને કરી હતી. નેચર ફોરએવર સોસાયટીએ દર વર્ષે 20 માર્ચે 'વર્લ્ડ સ્પેરો ડે' ઉજવવાનું આયોજન કર્યું હતું.
વર્ષ 2010માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
*સ્પેરોને (ચકલીઓને) આ રીતે બચાવો*
1. જો તમારા ઘરમાં ચકલી માળો બનાવે છે, તો તેને દૂર કરશો નહીં.
2. આંગણા, બારી, બહારની દિવાલો પર દરરોજ અનાજ અને પાણી રાખો.
3. ઉનાળામાં ચકલીઓ માટે પાણી રાખો.
4. જૂતાની પેટીઓ, પ્લાસ્ટિકની મોટી બોટલો અને વાસણો લટકાવો જેમાં તેઓ માળો બનાવી શકે.
5. બજારમાંથી કૃત્રિમ માળાઓ લાવી શકાય.
6. ઘરોમાં ડાંગર અને બાજરીના ઠૂંઠા લટકાવી શકો છો.
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો