સાચો મિત્ર
'દાદા, તમારા કેટલા દોસ્ત છે?'
રાહુલે નટવરભાઈને પૂછ્યું.
"બેટા, મારા તો ગણીને બે કે ત્રણ ખાસ દોસ્ત છે. તારા કેટલા દોસ્ત છે?"
"દાદા, મારા તો ફેસબુક પર ૩૦૦ દોસ્ત છે. ઈન્સ્ટાગ્રામ પર ૨૭૫ દોસ્ત છે અને ટ્વીટર પર ૨૫૦ જેટલાં દોસ્ત છે."
"એમાંથી તને ખરા સમયે કામ લાગે એવા દોસ્ત કેટલાં?"
"અરે! દાદા, અમે બધા દોસ્ત એકબીજા પર જીવ ન્યોછાવર કરી દઈએ."
"તેં કદી એમની પાસે કોઈ પ્રકારની મદદ માંગી જોઈ છે? મિત્રોની ખરી કસોટી મુશ્કેલીના સમયમાં જ થાય. જો તારે કસોટી કરવી હોય તો તારા દોસ્તો પાસે ૧૦૦૦૦/- રૂપિયા માંગી જો. કોણ ખરેખર તારો દોસ્ત છે તે ખબર પડી જશે."
"અરે! એમાં શું મોટી વાત છે? હમણાં મેસેજ મૂકીશ તો એક કરતાં એકવીસ દોસ્ત પૈસા લઈ હાજર થઈ જશે." રાહુલે દાદા સામે બડાઈ હાંકતા કહ્યું અને ગ્રુપમાં એક મેસેજ મૂક્યો કે મારે તાકીદની પરિસ્થિતિ ઊભી થઈ છે અને મને તાત્કાલિક ૧૦,૦૦૦/- રૂપિયાની જરૂર છે."
થોડીવારમાં એના મોબાઈલમાં મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ. રાહુલ ખુશ થઈ ગયો. એણે પહેલો જ મેસેજ નૈતિકનો જોયો. "અરે! દોસ્ત, હમણાં થોડી વાર પહેલાં જ મેં લાઈટ બિલ ભર્યું, નહિતર ચોક્કસ આપતે." સોહિલનો મેસેજ આવ્યો, "યાર, જરાક પહેલાં મેસેજ કર્યો હોત તો? મેં હમણાં જ મારી ફિયાન્સી માટે ગિફ્ટનું બિલ પે કર્યું." રાહુલ જરા નિરાશ થયો પણ દાદાએ કહ્યું, "હજી રાહ જો, કોઈને કોઈ તો જરૂર મદદ કરશે." સવારની રાત પડી પણ કહેવાતાં કોઈ દોસ્તે મદદ કરવાની તૈયારી ન બતાવી. ઉલટાનું બધાએ કોઈને કોઈ બહાના કાઢ્યા નહીં તો સલાહ આપી. રાહુલ ખૂબ ઉદાસ થઈ ગયો.
એટલીવારમાં નટવરભાઈએ એમના ખાસ દોસ્ત રમણભાઈને મેસેજ કર્યો. હજી તો અડધો કલાક ન થયો એટલે ઘરનો દરવાજો ખખડ્યો. રાહુલે દરવાજો ખોલ્યો તો સામે રમણભાઈ ઊભા હતા. "અલ્યા, નટુ! આ લે ૧૦,૦૦૦/- રૂપિયા અને તારું કામ પતાવ."
"અરે! રમણ, જરાક શ્વાસ તો લે, પાણી પી."
"નટુ, એ બધું પછી. તેં મને આટલી મોડી રાત્રે મેસેજ કર્યો એનો અર્થ એ જ કે કોઈ ખાસ મુશ્કેલી હશે. તો જ તું મને જણાવે. ચાલ, હવે પહેલાં તારું કામ પતાવ." રમણભાઈના એકેએક શબ્દમાં એમના દોસ્ત પ્રત્યેના પ્રેમનું ઝરણું વહેતું દેખાતું હતું. એક પણ પ્રશ્ન વગર તેઓ તરત જ દોસ્તને મદદ કરવા હાજર થઈ ગયા હતા. થોડીવારમાં રમણભાઈ પોતાના ઘરે જવા નીકળી ગયા.
એમના ગયા પછી રાહુલ નટવરભાઈને વળગીને રડી પડ્યો. "દાદા, મને સમજાય ગયું કે ખરો દોસ્ત કોને કહેવાય. તમારે ભલે એક બે જ મિત્રો છે પણ એ મુશ્કેલી વખતે તરત પડખે આવીને ઊભા રહે એવા છે. જ્યારે મારા બધા આભાસી મિત્રો છે." દાદાએ પ્રેમથી રાહુલના માથે હાથ ફેરવ્યો.
સારાંશ : સ્વાર્થી મિત્રોથી દૂર રેહવુ અને તેની પાછળ સમય કે રૂપિયા દેખાદેખીમાં ન વેડફવા જોઇએ. સાચા મિત્રની પરખ મુશ્કેલીના સમયે જ થાય છે.
1 ટિપ્પણી:
સાચો મિત્ર અંગે મોટીવેશન વાર્તા સરસ મજાની રજૂ કરી. આદરણીય શ્રી નયનાબેન જે સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન 🌹
ટિપ્પણી પોસ્ટ કરો