નજરિયો
એક રવિવારની નિરાંતવાળી સવારે, લોકો ન્યુયોર્ક સિટી સબવે ટ્રેનમાં સવાર થઈને તેમના આગલા મુકામ પર જઈ રહ્યા હતા. ટ્રેનમાં સવાર થોડા મુસાફરો સવારનું અખબાર વાંચી રહ્યા હતા અથવા તેમની ખુરશીઓ પર સૂતા હતા. બધાં મુસાફરો માટે હળવાશની પળો માણવાની તે એક શાંત મુસાફરી હતી.
એક સ્ટેશન પર પહોંચતાં જ ટ્રેન ઉભી રહી, અને નાના બાળકો સાથે એક માણસ ચડ્યો. ટ્રેનમાં ચડતા અને ઉતરતા મુસાફરોની થોડી ચહલપહલ પછી, ટ્રેન ઉપડી અને દરવાજા ધીમે ધીમે બંધ થઈ ગયા.
ઉપડ્યા પછી એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં, ટ્રેન માં કોલાહલ મચી ગયો, સમજો કે જાણે અરાજકતા ફાટી નીકળી. જે માણસ હમણાં જ ચડ્યો હતો તે ટ્રેનની એક સીટ પર બેઠો હતો પરંતુ તેના બાળકો બૂમો પાડતા, ચીસો પાડતા અને એકબીજા સાથે ધીંગા મસ્તી કરતાં કંપાર્ટમેન્ટમાં ધમાચકડી કરવા લાગ્યા.
ટ્રેનમાં જે મૌન પ્રસરેલું હતું તે અદૃશ્ય થઈ ગયું, અને તેનું સ્થાન ફક્ત બાળકોના તોફાન અને ઘોંઘાટે લઈ લીધું
બાળકોના પિતાએ દરમિયાનગીરી કરવાનો કોઈ પ્રયાસ ન કર્યો.
આમ દસ મિનિટ પસાર થઈ ગઈ. કેટલાક વૃદ્ધ મુસાફરો વ્યગ્ર થઈને આકુળવ્યાકુળ થવા લાગ્યા. બાળકોના ઘોંઘાટને કારણે ઘણા લોકો જેઓ પહેલા સૂતા હતા તેઓ હવે જાગી ગયા, ઘણાએ બાળકો તરફ નજર ફેરવી અને ગુસ્સાથી તેમના પિતા તરફ જોયું, તેમના મનમાં ગુસ્સા અને ઘૃણા ભરેલા વિચારો આવ્યા..
શા માટે તે તેના બાળકોને શાંત રાખવા માટે કંઈક કરી રહ્યો નથી?
કેવું અસંસ્કારી કુટુંબ!
આ બાળકો અસહ્ય છે...
આ ખૂબ હેરાન કરે છે. શા માટે તેઓ બીજી ગાડીમાં બેસતા નથી?
શું મારે બીજી ગાડીમાં જવું જોઈએ?
દરેક મુસાફરના મનમાં એક સામાન્ય વિચાર આ હતો: પિતાએ બાળકોના તોફાન રોકવા માટે કંઈક કરવું જોઈએ: તેમને સુધારવા માટે નમ્ર કે કડક શબ્દોમાં આદેશ આપવો જોઈએ. કોઈ પણ પ્રકારે આ બધું બંધ કરાવવું જોઈએ.
જોકે, એવું કંઈ ન થયું.
છેવટે, એક બિઝનેસમેનથી રહેવાયું નહીં. તે પિતા પાસે ગયો, તેના જેકેટના કોલર પકડીને ગુસ્સાથી બોલ્યો “સર, તમારા બાળકો વિશે કંઈક કરો. તેમને હમણાં જ ઠીક કરો !”
પિતાએ ધીમેથી તે માણસ તરફ જોયું અને તૂટેલા શબ્દોમાં ધીમેથી જવાબ આપ્યો, "હું જાણું છું કે મારે કંઈક કરવું જોઈએ." “બસ… અમે હમણાં જ હોસ્પિટલમાંથી પાછા આવ્યા છે… તેમની માતાનું એક કલાક પહેલા અવસાન થયું છે. મને ખબર નથી કે શું કરવું.”
પિતાએ આ શબ્દો કહ્યા અને તેની વિષાદગ્રસ્ત આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા.
પિતાના જવાબથી સ્તબ્ધ થયેલા બિઝનેસમેને પોતાની પકડ છોડી દીધી અને માફી માંગીને પોતાની સીટ પર પાછો જવા લાગ્યો.
તે ક્ષણે, સમગ્ર ટ્રેનનું વાતાવરણ જે ગુસ્સા અને ઘૃણા થી ભરેલું હતું તે ઊંડી કરુણા અને સહાનુભૂતિમાં ફેરવાઈ ગયું.
સારાંશ : આ વાર્તા ઘટના અને લોકોના વર્તન ને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની અને ઉતાવળે કોઈ અભિપ્રાય કે મંતવ્ય આપતાં પહેલાં હંમેશા પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરવાની શીખ આપે છે.
- અજ્ઞાત
2 ટિપ્પણીઓ:
Very nice story
ગુજરાતી ભાષા માટે બ્લોગ શરૂ કર્યો એ સારી વાત છે. ગુજરાતી ભાષા વિશે વધુ સજાગતા કેળવવાની જરૂર છે.
ટિપ્પણી પોસ્ટ કરો