સપ્તમ મનવન્તરના 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે. નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો.
1. કશ્યપ ઋષિ
બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.
2. અત્રિ ઋષિ
અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.
3.વસિષ્ઠ ઋષિ
વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.
4.વિશ્વામિત્ર ઋષિ
વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.
5.ગૌતમ ઋષિ
ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.
6.જમદગ્નિ ઋષિ
તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.
7. ભરદ્વાજ ઋષિ
ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા 'વૈમાનિકમ્' નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. 'યંત્ર સર્વસ્વમ' નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા.
ઋષિપંચમીના પાવન પર્વે આ સપ્તર્ષિ સહિત આપણાં દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ. 🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો