સૃષ્ટિનો
છે એક જ પોકાર,
દીકરી બચાવી કરો ઉદ્ધાર.
મુદ્દાઓ : પ્રસ્તાવના – અંધશ્રદ્ધા – ઘર-કુટુંબ અને સમાજનો દુરાગ્રહ – લાચાર યુવતીની મનોદશા – પુત્રની લોલુપતા -હત્યા – ઊભી થયેલી સામાજિક અસમાનતા – ઉપાયો.
સ્વતંત્રતા પ્રાપ્તિનાં ઘણાં વર્ષો
પછી પણ આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવાં સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે રુંધવાનો
પ્રયત્ન કરે છે. ઊંચનીચના ભેદ, અસ્પૃશ્યતા-શોષણ, જાતીય અસમાનતા, દહેજપ્રથા તથા ભૂણહત્યા-આ સામાજિક દૂષણો કેટલાંક વર્ષોથી
આપણા દેશમાં ઘર કરી ગયેલાં છે. ધીરેધીરે આવાં દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ગંભીર બાબત છે.
ગર્ભમાંના
બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતાં ભૃણહત્યા કરાવતાં દંપતીઓની સંખ્યા દિવસેદિવસે
ઘણી વધી ગઈ છે. ડૉક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવાં જઘન્ય કૃત્યો કરતાં જરા પણ
અચકાતા નથી. ભૃણહત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી હોય છે, જેથી કન્યાજન્મનું પ્રમાણ દિન-પ્રતિદિન ઓછું થતું ગયું છે. વર્ષ 2001ની વસ્તીગણતરી પ્રમાણે સ્ત્રી-પુરુષનું જાતીય પ્રમાણ 933:
1000 છે.
આ આંકડાઓ
સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષના તારણ પ્રમાણે ઘણું
નીચું ગયું છે. અત્યારે અંદાજે 833: 1000નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લાં સાત વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી છે, જે ખૂબ જ ચિંતાજનક છે.
આપણી
પુરુષપ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર-પુત્રીની ભેદરેખા ભૂંસી શકેલ નથી. દીકરી
હોવાનું માલુમ પડતાં જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક
કિસ્સાઓમાં તો સ્ત્રીની ઇચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની
ભૂણહત્યા કરાવવામાં આવે છે.
પુત્રજન્મની
ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે, અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ. પુત્રી પિંડદાન કરી શકે નહીં, તેવી માન્યતાઓ પ્રવર્તે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર
તરીકે જોવામાં આવતી નથી.
પુત્રીને
આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે. તેને સાપનો ભારો અને પારકી થાપણ માનવામાં
આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજપ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા-બાપ માટે
બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર-પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાઈ છે.
અત્યારે સ્ત્રી-ભૂણહત્યા માટે આ બધાં પરિબળો જવાબદાર છે.
અત્યારે
સમાજમાં સ્ત્રી-પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાને છોકરી મળવી સંભવ નથી. આ પરિસ્થિતિને
લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની
નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ બનશે.
સ્ત્રી-સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રીશોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ
કરુણાજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્નસંસ્થાઓને જબરદસ્ત ફટકો પડશે. લગ્નસંસ્થાઓ
તૂટશે. સામાજિક સમસ્યાઓથી સમાજવ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે, જે દેશને ભારે નુકસાન પહોંચાડશે.
સમાજમાં
સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત
કરવા (દરેક કાર્ય કરવા) તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ સમાજને કરાવતા રહેવું તે
સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ
પ્રકારનાં કાર્યો હાથ ધરવાં જોઈએ.
તબીબો માટે
જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ
સ્ત્રી-ભૃણહત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો