•વિચારવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોઃ
“આપણા વિચારોને
વિસ્તારથી વિવિધ વિગતો સાથે રજૂ કરવાનું માધ્યમ નિબંધ છે, તેમ
સૂત્રાત્મક શૈલીમાં, ટૂંકમાં વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ
ગદ્ય કે પદ્યની પંક્તિઓ છે. આ પંક્તિઓને અર્થપૂર્ણ સમજાવવાની કલા એટલે વિચાર
વિસ્તાર.”
* આપેલી પંક્તિ ઉક્તિનો અર્થ બરાબર સમજી લો.
* અર્થવિસ્તાર કરતી વખતે મુખ્ય ત્રણ વિભાગ પાડવા. પ્રારંભ, મધ્ય વિભાગ અને અંત,
આ ત્રણેય વિભાગની સ્પષ્ટતા પાછળ કરી છે.
* જરૂરી મુદા નક્કી કરો અને તેનો આઠ-દસ લીટીઓમાં વિસ્તાર કરો.
* જરૂર જણાય ત્યાં દષ્ટાંતો આપો. મહત્ત્વની હોય તેવી એક પણ બાબત રહી ન
જાય તેની ચીવટ રાખો.
* લખાણની ભાષા શુદ્ધ અને સરળ હોવી જોઈએ.
* જોડણી, વિરામચિહ્નો કે વાક્યરચનાની ભૂલ ન રહી જાય એનું ધ્યાન રાખો.
* વિચારવિસ્તાર કર્યા પછી એ સમગ્ર લખાણ એક વાર ધ્યાનપૂર્વક વાંચી જાઓ અને
જરૂર જણાય ત્યાં સુધારો.
* વિચારવિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ.
* વાક્યો ટૂંકાં અને સ્પષ્ટ હોવાં જોઈએ તથા સરળ અને પ્રચલિત શબ્દોનો
પ્રયોગ કરવો જોઈએ.
* યોગ્ય લાગે તો રૂઢિપ્રયોગો,
કહેવતો, સુવિચારો અને કાવ્યપંક્તિઓ પણ વાપરી
શકાય.
* વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ.
* વિચાર-વિસ્તારની લંબાઈ કેટલી
હોવી જોઈએ? તે ચોક્કસ નથી. તમે કરેલ સ્પષ્ટીકરણ તમને સંતોષ આપે તે અગત્યનું છે.
* વાક્યો ટૂંકા, સ્પષ્ટ અને સરળ હોવાં
જોઈએ. ભાષાકીય ભૂલ ન કરવી.
* એક જ વાત કે ઉદાહરણનું
પુનરાવર્તન ન કરવું.
* ફકરામાં
આપેલાં વાક્યો એકબીજા સાથે યોગ્ય રીતે સંકળાયેલા હોવા જોઈએ.
* પ્રારંભઃ પ્રારંભના
ફકરામાં આપેલા વિધાન કે પંક્તિનો મુખ્ય વિચાર, અર્થ,
રજુ કરવો.
* મધ્ય ભાગ
: આ ભાગમાં આવેલ પંક્તિનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. અહીં અર્થનો વિસ્તાર
કરવામાં આવે છે. આપેલ મુદ્દા કે અર્થથી વિપરીત જવાનું નથી. પંક્તિ કે વિધાનના દરેક
શબ્દને મહત્ત્વ આપી, સૂચિત થતા અર્થનું દાખલા, દલીલો સાથે સ્પષ્ટીકરણ કરવાનું છે. પંક્તિમાં રહેલા મુદ્દાને વળગી રહીને જ
વિસ્તાર કરવાનો છે. વિષયાંતર ન થાય તેની કાળજી રાખવી. નિરર્થક લંબાણથી
દૂર રહો
* અંતઃ
અંત ભાગમાં વિચારનો સાર-બોધ રજૂ કરવામાં આવે છે. જેને ચર્ચાની ફલશ્રુતિ નિષ્કર્ષ
પણ કહી શકાય.
· નમુનો
: ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.’
અહીં એવું જણાવવામાં આવ્યું છે કે
પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સુવર્ણ
પ્રાપ્ત થઈ શકે છે.
સમજૂતી :
સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ
માર્ગ પર મનુષ્યને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં માણસેનિષ્ફળતાના ઘણા
કડવા ઘૂંટડા પીવા પડે છે તેમજ અથાક અને અસીમ પરિશ્રમ કરવો પડે છે. એટલે જ એક કવિ
કહે છે કે : ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી
પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ
મળવાની શક્યતા જ નથી. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું
સુખદ પરિણામ આવે જ છે. ‘મનુષ્યયત્ન અને
ઈશ્વરકૃપા’ એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની
રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ
પાંગળું છે. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. ઈશ્વર તેને જ મદદ કરે છે જે
પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે.
સારાંશ:
પુરુષાર્થ કરવાથી સિદ્ધિ મળે કે ન મળે, પુરુષાર્થ
કર્યાનો સંતોષ અને આનંદ તો મળે જ છે.
N.
J. SOLANKI
2 ટિપ્પણીઓ:
ખુબજ સરસ લખતા રહો
ખૂબ સરસ કામ કરી રહ્યા છો આપ
ટિપ્પણી પોસ્ટ કરો