અજાણ્યા સંબંધોનો ઘા
સ્વાતિ..? ચાલ આપણે પાર્ટી પ્લોટમાં ગરબા લેવા જવાનું છે.
લે તારી ચણિયાચોળી પહેરી લે અને હું મારા કપડા પહેરી લઉં.
તું જલ્દી તૈયાર થઈ જા સ્વાતિને આટલું કહેતા ક્રિશ વોશરૂમમાં ગયો.
સ્વાતિ હાથમા ચણીયાચોળી લઈને પોતાના ભૂતકાળમાં સરી પડી.........
નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા. સ્વાતિ હોસ્ટેલમાં રહેતી પોતાની બહેનપણીઓ સાથે ગરબા લેવા ગઈ.
ત્યાં ગરબે રમતા સ્વાતિ એક અજાણ્યા યુવાનના સંપર્કમાં આવી અને એકબીજા વચ્ચે વાતનો દોર ચાલુ થયો.
ને સમય પૂરો થતાં બધા પોતપોતાની રૂમે ગયા.
વળતા દિવસે વળી પાછો એનો એ જ ક્રમ.
ત્રણ ચાર નોરતા દરમિયાન એકબીજાનો પરિચય થતાં બન્ને વચ્ચે એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થઈ.
ત્યારબાદ ધીમેધીમે મેસેજ પર વાત કરતા સ્વાતિ અને સાગર ફોન પર વાતો કરવા લાગ્યા અને થોડા જ દિવસમાં પ્લાન થયો કે આજે આપણે બન્ને ક્યાંક મળીએ.
પહેલી જ વખતમાં અજાણ્યા યુવક પર વિશ્વાસ કરી બેઠેલી સ્વાતિ એ વાત ભૂલી ગઈ કે સાગર એક અજાણ્યો છે.
બસ એનો ફાયદો ઉઠાવીને સાગર સ્વાતિને
પોતાની કારમાં બેસાડીને અવાવરું જગ્યાએ લઈ ગયો અને ત્યાં પહોંચીને જેમ કોઈ પારઘી કુમળાં શિકારને પીંખી નાખે એવી રીતે સ્વાતિને અનેકવાર પીંખી.
ત્યારબાદ એ હવસખોર સાગરની હવસ સંતોષાઈ જતા સ્વાતિને ત્યાં જ છોડીને જતો રહ્યો.
સ્વાતિ ત્યાં જ રડતી રહી.
આ બાજુ ગામડેથી શહેરમાં નવો આવેલો પોતાની ઓફિસથી મોડો છુટેલો એક યુવક જે શહેરથી થોડો દૂર રહેતો ત્યાંથી નીકળ્યો,
સ્વાતિના રડવાનો અવાજ સાંભળીને થોભ્યો અને વિચારવા લાગ્યો કે આ અવાવરું જગ્યાએ કોણ હોઈ શકે..?
થોડીવાર માટે ત્યાં જતા અચકાયો કે કદાચ પોતાને ફસાવવાનું કોઈનું ષડ્યંત્ર હોઈ શકે.
પરંતુ હિંમતવાન ક્રિશ પરિણામની પરવા કર્યા વગર મદદ કરવાના હેતુએ સ્વાતિ પાસે પહોંચ્યો.
બાદમાં ક્રિશે સઘળી હકીકત જાણીને ડરી ગયેલી સ્વાતિને શાંત પાડીને એમને વિશ્વાસ આપી પોતાની બાઇક પાછળ બેસાડીને પોતાની રૂમ પર લઈ ગયો.
રુમે પહોંચી ટિફિન મંગાવી જમીને સ્વાતિને શાંતિથી સુવડાવી.
વળતે દિવસે ક્રિશ સ્વાતિને તેની રૂમ પર મૂકવા ગયો અને પોતાનો કોન્ટેક નંબર આપતા કંઈ પણ જરૂર પડે તો ગમે ત્યારે ફોન કરવા કહ્યું.
હવે સ્વાતિ પહેલા જેવી ખુશ નહોતી કારણ કે સમાજને પણ બધી જ ખબર પડી ગઈ હતી અને બધા જ એને તિરસ્કારની નજરે જોતા.
એને હંમેશા ચિંતા રહેતી કે હવે તેણી સાથે લગ્ન કોણ કરશે.
ક્યારેક ક્યારેક ક્રિશ સાથે ફોન પર વાત કરીને પોતાનું મન હળવું કરી લેતી.
ક્રિશ સ્વાતિના મનને સમજી ગયો હતો
એક દિવસ ક્રિશે ફોન કરીને સ્વાતિને મળવા પોતાની રૂમે બોલાવી અને બન્નેએ બેસીને ખૂબ જ વાતો કરી.
છેલ્લે છુટ્ટા પડતી વખતે ક્રિશ બોલ્યો "સ્વાતિ..? અગર જો તને વાંધો ન હોય તો તું મારી સાથે લગ્ન કરીશ..?"
આ સાંભળી સ્વાતિના રોમ રોમમાં એક ખળભળાટ મચી ગયો અને બોલવા જતી હતી કે પણ.......
"બસ સ્વાતિ હું બધું જાણું જ છું.
અને બધો વિચાર કર્યા બાદ જ તને પ્રપોઝ કરી રહ્યો છું
કહીને ક્રિશે વચ્ચે જ બોલતા અટકાવી.
અને સ્વાતિ નજર ઢાળીને માત્ર આંસુ સારતા હા માં જવાબ આપી ક્રિશના ખભે માથું ઢાળી ગઈ.
*************
લગ્નગ્રંથિથી જોડાયાને અઢાર વર્ષ પૂર્ણ થયા હતા અને ખૂબ જ સુખી જીવન જીવતા હતા.
ત્યાં નવરાત્રી આવી ગઈ.....
ક્રિશ તૈયાર થઈને આવ્યો પણ સ્વાતિ હજુ પણ એના ભૂતકાળમાં હતી પાછળથી આવીને સ્વાતિને ઢંઢોળીને પૂછ્યું શુ વિચારે છે..?
સ્વાતિ બસ એટલું જ બોલી શકી
"મને યાદ આવે એ નવરાત્રિ"
અને ક્રિશે સ્વાતિને પોતાની બાંહુપાશમાં સમાવી લીધી...!!
સાર :- માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે તો મારા દેશની કોઈપણ બેન દીકરીએ કોઈપણ અજાણી વ્યક્તિ સાથે ગરબા રમવા ના જવું. કારણ કે તમારી નાનકડી અમથી એક ભૂલ તમારી તેમજ તમારા પરિવારની બરબાદીનું કારણ બની શકે છે...!
લેખક- વાઘાણી વિજય.
"સદૈવ"
શાખપુર,અમરેલી.
(હાલ સુરત.)
(સંકલન)
નયના જે. સોલંકી
2 ટિપ્પણીઓ:
ખૂબ જ સરસ પ્રેરણાદાયી લેખ
👍👍👍
ટિપ્પણી પોસ્ટ કરો