એ.પી. જે.અબ્દુલ કલામ
અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબદ્દીન એક નાવિક હતા અને માતા અશિઅમ્મા ગૃહિણી હતા. માતાપિતાના ગુણો અને મૂલ્યોનો બાળપણથી જ તેમના પર પ્રભાવ હતો. પિતા પાસેથી પ્રામાણિકતા અને સ્વ-શિસ્તની ભાવના, અને માતા પાસેથી ભગવાનમાં વિશ્વાસ અને કરુણા ના ગુણો પ્રાપ્ત થયા. આ તેમના જીવનની સર્જનાત્મકતા માટે પ્રેરણા બની હતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી તેમણે નાનપણથી જ કામ કરવું પડ્યું. બાળક અવસ્થામાં કલામ તેમના પિતાને આર્થિક મદદ કરવા માટે શાળા પછીના સમયમાં અખબાર વેચવાનું કામ કરતા હતા.
ડો. અબ્દુલ કલામ ભણવામાં સામાન્ય હતા પરંતુ હંમેશાં કંઇક નવું શીખવા માટે તૈયાર અને તત્પર રહેતા. તેમને ભણવાની ભૂખ હતી અને તે કલાકો સુધી ભણવામાં ધ્યાન આપતા હતા. તેમણે સ્કૂલનું શિક્ષણ રામાનાથપુરમ શ્વાર્ટઝ મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી કર્યું અને ત્યારબાદ સેન્ટ જોસેફ કોલેજમાં, તિરુચિરાપલ્લીમાં અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે 1954 માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા. ત્યારબાદ વર્ષ 1955 માં તેઓ મદ્રાસ ગયા જ્યાંથી તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. વર્ષ 1960 માં કલામે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.તેના પિતા તેમને કલેક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કલામને ખગોળશાસ્ત્રમાં રસ હતો. નાનપણથી જ તે આકાશમાં ઉડતા પક્ષીઓનાં રહસ્યો વિશે ઉત્સુક હતા.
વિદ્યાર્થી જીવનમાં તેઓ તેમના શિક્ષકોથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમને તેમના હાઇસ્કૂલના શિક્ષક અયદુરાઇ સોલોમન સાથે વિશેષ લગાવ હતો; કેમ કે સોલોમન વિદ્યાર્થીઓમાં રહેલી શક્યતાઓ, તેમની ક્ષમતાઓ અને શક્તિને જાણી લેતા હતા, અને તેને વઘારવા માટે પ્રોત્સાહન આ૫તા હતા.
મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, કલામ એક વૈજ્ઞાનિક તરીકે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (Defence Research and Development Organisation-ડીઆરડીઓ) માં જોડાયા. ડૉ. કલામે ભારતીય સૈન્ય માટે નાના હેલિકોપ્ટરની રચના કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૫રંતુ ડૉ. કલામને ડીઆરડીઓમાં કામ કરતાં સંતોષ નહોતો મળી રહ્યો. ડૉ. કલામ પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા રચિત ભારતીય અવકાશ સંશોધન સમિતિના સભ્ય પણ હતા. આ સમય દરમિયાન તેમને પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇ સાથે કામ કરવાની તક મળી. તેમની બદલી ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) માં 1969 માં થઈ હતી. અહીં તેમને ભારતના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન પ્રોજેક્ટના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટની સફળતાના પરિણામ રૂપે, ભારતનો પ્રથમ ઉપગ્રહ ‘રોહિણી’ વર્ષ 1980 માં પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યો હતો. ઇસરોમાં જોડાવાનું એ ડૉ.કલામની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ વળાંક હતો અને જ્યારે તેમણે સેટેલાઇટ લોન્ચ વાહન પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને લાગ્યું કે જાણે તે વિચાર કરે છે તેવું જ તે કરી રહ્યું છે.
સંરક્ષણ વૈજ્ઞાનિક તરીકે તેમની સિદ્ધિઓ અને ખ્યાતિને ધ્યાનમાં રાખીને, એન. ડી. એ. ગઠબંધન સરકારે તેમને વર્ષ ૨૦૦૨ માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા. તેમણે પોતાના હરીફ લક્ષ્મી સહગલને મોટા અંતરથી હરાવ્યા અને ૨૫ જુલાઈ ૨૦૦૨ ના રોજ ભારતના ૧૧ મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ડૉ. અબ્દુલ કલામ દેશના એવા ત્રીજા રાષ્ટ્રપતિ હતા કે જેમને રાષ્ટ્રપતિ બન્યા પહેલા જ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ અગાઉ ડૉ.રાધાકૃષ્ણન અને ડૉ.જકીર હુસેનને રાષ્ટ્રપતિ બનતા પહેલા ‘ભારત રત્ન’ એનાયત કરાયો હતો.
તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ ‘લોકોના રાષ્ટ્રપતિ‘ તરીકે ઓળખાતા. તેમના કાર્યકાળના અંતે, તેમણે બીજી ટર્મની ઇચ્છા પણ વ્યક્ત કરી, પરંતુ રાજકીય પક્ષોમાં અભિપ્રાય ન હોવાના કારણે, તેમણે આ વિચાર છોડી દીધો
૧૨ મા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના કાર્યકાળના અંતે, તેમનું નામ આગામી સંભવિત રાષ્ટ્રપતિ તરીકે ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું, પરંતુ સહમતિના અભાવને કારણે તેમણે તેમની ઉમેદવારીનો ખ્યાલ છોડી દીધો હતો.
રાષ્ટ્રપતિ પદ પરથી નિવૃત્તિ લીધા પછી, ડૉ. અબ્દુલ કલામ અધ્યાપન, લેખન, માર્ગદર્શન અને સંશોધન જેવા કામમાં રોકાયેલા હતા અને ભારતીય પ્રબંઘન સંસ્થાન, શિલ્લોંગ, ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ, ઇન્દોર, વગેરે જેવી મુલાકાતી સંસ્થાઓમાં વિજિટીંગ પ્રોફેસર તરીકે સંકળાયેલા હતા. આ ઉપરાંત, તે બેંગ્લોરના ભારતીય વિજ્ઞાન સંસ્થાનના ફેલો, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી તિરુવનંતપુરમના અઘ્યક્ષ તથા અન્ના યુનિવર્સિટી, ચેન્નાઈ, એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર ૫ણ રહી ચુકેલ હતા.
ડૉ. અબ્દુલ કલામ હંમેશા દેશના યુવાનો અને તેમનુ ભવિષ્ય ઉજવણ કરવા વિશે વાત કરતા હતા. આ જ કારણે તેમણે દેશના યુવાનો માટે “વોટ કેન આઇ ગીવ(What Can I Give)” ૫હેલની શરૂઆત કરી હતી જેનો મૂખય ઉદ્દેશ દેશમાંથી ભ્રષ્ટાચારની સફાઇ કરવાનો છે. દેશના યુવાનોમાં તેમની લોકપ્રિયતા કારણે જ તેમજે 2 વખત (2003 અને 2004)માં ‘એમ.ટી.વી. યુથ આઇકન ઓફ ઘ ઇયર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.
વર્ષ ૨૦૧૧ માં જોવા મળેલ હિન્દી ફિલ્મ ‘આઈ એમ કલામ’ તેના જીવન આઘારિત છે.
ડૉ.કલામ 27 જુલાઇ 2015 ના રોજ “ક્ર્રિ્રિયેટીંગ અ લિવેબલ પ્લેનેટ અર્થ” વિષય પર પ્રવચન આપવા આઈઆઈએમ શિલોંગ ગયા હતા, જ્યારે તેઓ સીડીઓ ચઢી રહયા હતા તે વખતે તેમણે થોડી અગવડતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે તેને ગણકાર્યા વગર સભાગૃહ તરફ પ્રયાણ કર્યું હતું. વ્યાખ્યાનમાં માત્ર પાંચ જ મિનિટ વ્યાખ્યાન આપ્યા ૫છી લગભવ સવારે ૬.૩૫ કલાકે તેઓ અચાનક વ્યાખયાન કક્ષમાં જ ઢળી ૫ડયા હતા. ગંભીર હાલતમાં તેમને ‘બેથની હોસ્પિટલ’ લઈ જવામાં આવ્યા હતા. તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેની હાલત ખરાબ હતી. સવારે ૭: ૪૫ વાગ્યે, હૃદય હુમલાથી તેને મૃત જાહેર કરાયા હતા. ભારતની સાથે આખુ વિશ્વ એક મહાન વેજ્ઞાનિક ગુમાવવાના કારણે શોકમગ્ન બની ગયુ હતુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો