કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક “વિજય”) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું.
આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બહાર કરવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.
કારગિલ યુધ્ધનો ઇતિહાસ
પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી આતંકવાદીઓ જેવો વેશ ધારણ કરીને એલઓસી, જે ડે ફેક્ટો, de facto બોર્ડર તરીકે ઓળખાય છે, તે ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી, જે આખરે યુદ્ધમાં પરિણમી. યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાને, પાકિસ્તાનથી તદ્દન સ્વતંત્ર એવા કાશ્મીરી વિદ્રોહીઓને આ લડત માટે દોષી ઠેરવ્યા, પરંતુ યુદ્ધમાં મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકોના દસ્તાવેજો પરથી પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સંડોવણી સામે આવી, પછીથી પાકિસ્તાની વડાપ્રધાન અને મુખ્ય સૈન્ય અધિકારીના નિવેદનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ.
પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના આગેવાન જનરલ અશરફ રશીદ હતા. એલઓસીની ભારતીય બાજુ પરની ટેકરીઓ પર પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી, ભારતીય ભૂમિદળે વાયુસેનાના સહયોગ વડે મોટા ભાગની ટેકરીઓ પર ફરીથી કબ્જો કર્યો. આંતરરાષ્ટીય સ્તરે રાજદ્વારી વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાને બાકીના ભારતીય વિસ્તારમાંથી પીછેહઠ કરી.
આ યુદ્ધ પર્વતીય ભૂપ્રદેશમાં ઉચ્ચ ઊંચાઈ પર લડાયેલ યુદ્ધનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે, જેણે યુદ્ધના બંને દળો માટે નોંધપાત્ર કાયદાકીય સમસ્યાઓ ઉભી કરી હતી. પરમાણુ રાજ્યો વચ્ચે સીધો, પરંપરાગત યુદ્ધનો પણ આ એકમાત્ર દાખલો છે. ભારતે ઈ. સ.1974માં તેનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ હાથ ધર્યું હતું. પાકિસ્તાને તે જ સમયથી ગુપ્ત રીતે તેની પરમાણુ ક્ષમતા વિકસાવવા માંડી હતી. ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણના માત્ર બે અઠવાડિયા પછી પાકિસ્તાને ઈ. સ.1998માં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
ઈ. સ. 1947માં ભારતના ભાગલા પહેલા કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો. ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વના ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. ઈ.સ. 1947 – 1948નાં ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા આંકવામાં આવી, જેથી લદ્દાખનું વિભાજન થયું. સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો, જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે. ઈ. સ. 1971નાં યુદ્ધમાં પાકિસ્તાનની હાર પછી બંને દેશોએ શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં બંને દેશોએ એલઓસી સીમાનું પાલન કરી સશસ્ત્ર સંઘર્ષ ટાળવા માટે વચન આપ્યું.
કારગિલ શહેર શ્રીનગરથી 205 કિમી પર આવેલું છે. કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ બાલ્ટીસ્તાનનો વિસ્તાર આવેલો છે. હિમાલયના અન્ય વિસ્તારોની જેમ જ કારગિલનું વાતાવરણ વિષમ છે. ઉનાળામાં પણ ઠંડી અને રાતમાં તો થીજી જવાય એવી ઠંડી હોય છે, જયારે શિયાળો લાંબો અને અત્યંત વિષમ હોય, શિયાળામાં તાપમાન ઘણીવાર − 48° સેલ્સિયસ જેટલું નીચું હોય છે.
શ્રીનગરને લેહથી જોડતો એકમાત્ર ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) કારગિલથી પસાર થાય છે. જે વિસ્તારોમાં ઘૂસણખોરી અને લડાઈ થઈ એ 160 કિલોમીટર લાંબો વિસ્તાર પર્વતોની એક હારમાળા જેવો હતો, જ્યાંથી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) ને જોઈ શકાતો હતો. આ પર્વતોની હારમાળા ઉપર ગોઠવાયેલી લશ્કરી ચોકીઓની સરેરાશ ઊંચાઈ 5,000 મીટર હતી. ઘણી ચોકીઓ તો 5,485 મીટર જેટલી ઊંચાઈ પર હતી. યુદ્ધરેખા નજીકના અને વસ્તી ધરાવતા વિસ્તારોમાં જિલ્લા પાટનગર કારગિલ સિવાય મુશ્કો ખીણ, દ્રાસ, દક્ષિણ-પશ્ચિમ કારગિલ, બટાલિક અને ઉત્તર-પૂર્વ કારગીલનો સમાવેશ થતો હતો.
ઘુસણખોરી માટે કારગિલ વિસ્તાર પસંદ કરાયો તેને પાછળ કારણ એ હતું કે, ભારતને ભાળ ન પડે એ રીતે આ વિસ્તારની ઘણી ખાલી પડેલી ચોકીઓ પર કબ્જો કરી શકાય એમ હતો. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે, શિખરોની ટોચ પર રક્ષણાત્મક ચોકીઓ ચણીને ગોઠવાયેલ પાકિસ્તાની સૈન્ય રક્ષણાત્મક ભૂમિકામાં હતું. એક કિલ્લા જેવી સંગીન રક્ષણાત્મક સ્થિતિ તેમના પક્ષે હતી. જયારે આ ચોકીઓ ફરીથી કબ્જે કરવા માંગતા ભારતીય સૈન્યએ પર્વતીય યુદ્ધ કરવાનું હતું અને મોટી સંખ્યામાં સૈનિકોની જરૂર પડવાની હતી. ઉત્તુંગ શિખરો અને વિષમ ઠંડી તેમની મુશ્કેલીઓમાં વધારો કરવાની હતી.
પાકિસ્તાની નિયંત્રણ હેઠળના સ્કર્દુથી કારગિલ માત્ર 173 કિમી દૂર છે, જે પાકિસ્તાની લડવૈયાઓને લોજિસ્ટિક અને આર્ટિલરી પૂરા પાડવામાં સક્ષમ હતું. કારગિલને સ્કર્દુ સાથે જોડતો રસ્તો પહેલેથી જ હતો, જે ઈ. સ. 1949માં બંધ કરવામાં આવ્યો હતો.
1 ટિપ્પણી:
Jay hind
ટિપ્પણી પોસ્ટ કરો